જાહેરમાં થૂંકવા બદલ અમદાવાદ મનપાએ બીજા દિવસે રૂપિયા 7.94 લાખનો દંડ વસૂલ કર્યો - અમદાવાદના તાજા સમાચાર
રાજ્ય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને જાહેરમાં થૂંકનારા સામે પગલાં લેવા કડક સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારે કોરોના વાયરસ પ્રસરે નહીં તે માટે શક્ય તમામ પ્રયાસો હાથ ધર્યાં છે. ત્યારે ગુજરાત માટે સારા સમાચાર છે કે, ગુજરાતમાં અત્યાર સુધી એક પણ કોરોના વાયરસનો પોઝિટીવ કેસ નોંધાયો નથી.

અમદાવાદઃ બે દિવસમાં કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને JETની ટીમે જાહેરમાં થૂંકતા 2,974 લોકો સામે કાર્યવાહી કરી રૂપિયા 14.16 લાખનો દંડ વસૂલ કર્યો છે. સોમવારે 278 જેટલી ટીમો હતી જેમાં 30 ટીમો વધારી 308 ટીમો કામે લગાડવામાં આવી છે.
સોમવારે સવારથી શહેરના રોડ પર ટીમો ઉતરી હતી. 308 જેટલી ટીમોએ 48 વોર્ડમાં 1730 લોકોને જાહેરમાં દંડ ફટકારી રૂપિયા 7.94 લાખનો દંડ વસુલ કર્યો હતો. સૌથી વધુ દક્ષિણ ઝોન એટલે કે મણિનગર, ઇસનપુર, લાંભા, વટવા સહિતના વિસ્તારોમાં 512 લોકોને દંડ કરી 1.95 લાખનો દંડ વસુલાયો છે. જ્યારે ઓછો દંડ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 58,500નો જ વસુલવામાં આવ્યો છે.
જાહેરમાં થૂંકતા લોકો સામે કાર્યવાહી કરવાને લઈ લોકો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉભી થઇ હતી. સાયન્સ સીટી રોડ પર શુકન મોલ ચાર રસ્તા પાસે એક વ્યક્તિએ દંડ ભરવા ઇનકાર કર્યો હતો. જેમાં પોલીસ બોલવાઈ હતી. જો કે વ્યક્તિએ લેખિતમાં માફી માંગી અને દંડ ભરી દેતા જવા દીધો હતો. ઘી કાંટા પાસે પણ એક વ્યક્તિએ દંડ ભરવાનો ઇનકાર કરતાં ઘર્ષણ સર્જાયું હતું. જો કે લોકોએ તેને દંડ ભરી દેવા સમજાવતાં તેણે દંડ ભરી દીધો હતો.