વસ્ત્રાલમાં ચાલુ કારમાંથી ફટાકડા ફાડવા મામલે 20 દિવસ પછી નોંધાઈ ફરીયાદ અમદાવાદ :શહેરના પૂર્વ વિસ્તારમાં નબીરાઓ દ્વારા જાહેરમાં કરવામાં આવેલી સ્ટંટબાજી મામલે અંતે ગુનો નોંધાયો છે. વસ્ત્રાલ વિસ્તારમાં થોડા દિવસો પહેલા ચાલુ કારમાંથી અમુક શખ્સોએ જાહેરમાં ફટાકડા ફોડી આસપાસના લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. ફટાકડાના કારણે એક સગીર યુવતી દાજી ગઈ હતી ત્યારે અંદાજે 20 દિવસ બાદ આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
શું હતો સમગ્ર મામલો : અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા અને સિલાઈકામ કરતા દીપ્નેશ પ્રજાપતિએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં 28મી માર્ચ 2023ના રોજ તેઓની દીકરી ધોરણ 10ની પરીક્ષાનું છેલ્લું પેપર પૂર્ણ કરીને તેઓ એક્ટિવા પર બેસાડી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે વસ્ત્રાલ મહાદેવ ફાર્મ પાસે અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે પહોંચતા અચાનક તેઓની દીકરી પર એક ફટાકડો ઉડીને પડતા તે દાજી ગઈ હતી. જેથી તેઓએ દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.
આ પણ વાંચો :Ahmedabad rape case: સગીરાને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચરતા 3 નબીરા ઝડપાયા
ચાલુ કારમાં ફટાકડા : જે બાદ તેઓએ આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા તેમાં તેઓની એક્ટિવાની આગળ જઈ રહેલી કારમાં સવાર અમુક યુવકોએ ચાલુ કારમાં ફટાકડા ફોડતા નજરે પડ્યા હતા. જે ફટાકડામાંથી એક ફટાકડો તેઓની દીકરી પર આવીને પડતા તેને ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેઓએ આ મામલે જાણવાજોગ દાખલ કરી હતી. જેમાં બંને પક્ષ વચ્ચે સમાધાન ન થતા અંતે આ મામલે કાર ચલાવનાર સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો :Riders bike stunts Video viral : ધૂમ મચાલે... બાઇક સ્ટંટ કરવા ગયેલા નબીરા ડિવાયડરમાં ભટકાતા વીડિયો વાયરલ
પોલીસનું નિવેદન : આ ગુનામાં સામેલ આરોપીઓને જાણે કે પોલીસનો કે કાયદાનો ડર ન હોય તે પ્રકારે જાહેર રોડ પર સ્ટંટબાજી કરવામાં આવી હતી. તેવામાં હવે પોલીસ ગુનો દાખલ કર્યા બાદ ગુનામાં સામેલ આરોપીઓને છાવરે છે કે તેઓની સામે કડક કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. આ અંગે અમદાવાદ શહેરના આઈ ડિવિઝનના ACP કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનામાં સામેલ આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.