અમદાવાદ : શહેરમાં અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કે કાયદાનો ડર જ ન હોય તે પ્રકારની ઘટના દિવસ અને દિવસે બની રહી છે. જેમાં શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે અલગ અલગ જગ્યા પર અસામાજિક તત્વોએ આતંક મચાવીને ધંધા રોજગાર સાથે જોડાયેલા વેપારીઓ પર હુમલાઓ કરીને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. પોલીસ સ્ટેશન અથવા પોલીસ ચોકીથી ગણતરીના ડગલાઓ દૂર એવી જાહેર જગ્યાઓ પર દુકાનોમાં તોડફોડ અને છરી બતાવીને વેપારીઓ પર ધાક ધમકીઓ આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
પ્રથમ બનાવ : અમદાવાદમાં બનેલી બે ઘટનાઓમાં પ્રથમ ઘટનાની વાત કરીએ તો 23 એપ્રિલે રાતના 9 વાગે આસપાસ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડની અંદર એક ઘટના સામે આવી છે. જેમાં આશાપુરા મોબાઈલ નામની મોબાઇલની દુકાન ધરાવતા હિતેશ માળી દુકાને હાજર હતા. બે અજાણ્યા છોકરાઓ તેઓની દુકાને આવ્યા હતા અને બહાર મુકેલા સામાન સાથે છેડછાડ કરી હતી. જેથી તેઓએ તે બંનેને અટકાવ્યા હતા અને ઠપકો આપતા બંને બચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.
દુકાનમાં તોડફોડ : જે બાબતની અદાવત રાખીને ફરીથી તે જ બંને યુવકો દુકાને આવીને બોલાચાલી કરવા લાગ્યા હતા. એક વ્યક્તિના હાથમાં ધારદાર ચપ્પુ હોય જે ચપ્પુ બતાવીને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આજુબાજુમાંથી પટ્ટા જેવી વસ્તુ લઈને દુકાનના કાઉન્ટર પર માર મારીને કાચ તોડી નાખ્યો હતો.
આરોપીએ માર્યું ચપ્પુ : એક આરોપી વેપારીને ચપ્પુ મારવા તે ખસી જતા દુકાનમાં નોકરી કરતા જીતેન્દ્ર સિંહને ગાલ પર ચપ્પુ વાગ્યું હતું. જેના કારણે તેઓએ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા આ બાબતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ગુનામાં સામેલ બંને અજાણ્યા છોકરાઓ દ્વારા અવારનવાર બસ સ્ટેન્ડમાં આવીને દાદાગીરી કરતા હોય જેમાં એકનું નામ ભાવેશ ઉર્ફે મંગો હોવાનું વેપારીને જાણવા મળ્યું હતું, તેથી આ સમગ્ર મામલે તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.મહત્વનું છે કે આરોપીઓ દ્વારા કરવામાં આવેલી તોડફોડની ઘટના CCTV કેદ થઈને હાલ વિડીયો પણ વાયરલ થયો છે. તેવામાં પોલીસે CCTV ફૂટેજમાં દેખાતા બંને શખ્સોને પકડવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.