અમદાવાદ :શહેરના નિકોલ વિસ્તારમાં દુકાનમાં પ્રવેશી વેપારીને બંધક બનાવીને મોબાઈલ અને રોકડની કરવામાં આવેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને પકડી મુદ્દામાલ રિકવર કર્યો છે. આ મામલે પકડાયેલા આરોપીઓ લૂંટમાં પહેલીવાર હાથ અજમાવવા રિક્ષામાં લૂંટ કરવા આવ્યા હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર : આ મામલે નિકોલ પોલીસે સંજય તોમર, તરૂણ પરિહાર, વિવેક બઘેલ અને હંસરાજ તોમર નામના આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ શુકન ચાર રસ્તા પાસે આવેલા સૌંદર્ય વિલા કોમ્પ્લેક્ષમાં આવેલી મોબાઈલ શોપમાં તીક્ષણ હથિયારની અણીએ લૂંટ કરવા ગયા હતા. દુકાન માલિકને હથિયારની અણીએ બંધક બનાવી 22 મોબાઈલ અને રોકડ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ અંગે પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોધી વધુ તપાસ શરૂ કરી હતી.
આરોપીઓને કેવી રીતે પકડ્યા : નિકોલ પોલીસને ઘટના બન્યા બાદ મહત્વના CCTV ફૂટેજ જોતા આરોપીઓની ઓળખ થઈ ગઈ હતી. તેમજ હ્યુમન ઇન્ટેલિજન્ટના માહિતીના આધારે શહેરકોટડા વિસ્તારમાંથી ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. લૂંટમાં ગયેલા 22 મોબાઇલ, રોકડ 11 હજાર 500 અને હથિયાર સહિત 3.76 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.