અમદાવાદ : જમાલપુર/ ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, 10 ઓક્ટોબરના રોજ મારા પર્સનલ આસિસ્ટન્ટ(PA)નો મારા પર ફોન આવ્યો હતો કે, તમારા નામથી અને ફોટો તથા MLA લખીને કોઇ વ્યક્તિએ ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી આપણા કેટલાંક લોકો જેમાં કોર્પોરેટર્સ પણ છે, તેમની પાસે રૂપિયાની માંગણી કરતો મેસેજ આવ્યો છે. જે બાદ મેં અંગત રીતે તપાસ કરતા આ બાબત સાચી હતી. જેમાં મારા ફોટા, નામ તેમ જ હોદ્દાનો ઉપયોગ કરી કોઇ અસામાજિક તત્ત્વો કે ગેંગ દ્વારા આ રીતે ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરવામાં આવી છે. જે કારણે મે તાત્કાલિક આ બાબતે જાહેર જનતાને જાગ્રુત કરવા મેસેજ વાયરલ કર્યો છે અને આ અંગે ગુનેગારને શોધી કાઢીને તેમની સામે કાયદેસર પગલા લેવા માટે સાઇબર ક્રાઇમ અમદાવાદમાં અરજી કરી છે.
ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું છે કે, પ્રજા છેતરાય નહીં એટલે મે સોશિયલ મીડિયામાં મારા નામે પૈસા ઉઘરાવાતા હોવાની જાણ કરીને ચેતવ્યા છે. કોઇપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા આવા ફેક એકાઉન્ટ બનાવીને ગેરકાયદેયર રીતે રૂપિયા માંગે તો તે અંગે તાત્કાલિક સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરાવવી જોઇએ. આવા વ્યક્તિઓ જાણીતા તથા હોદ્દેદારોના ફેક એકાઉન્ટ બનાવી ગુગલ અને ઓનલાઇન પેમેન્ટ દ્વારા રૂપિયાની માંગણી કરતા હોય છે. ત્યારે આવા અસામાજિક તત્ત્વોને રોકવા માટે જાહેર જનતાને સજાગ રહી આ અંગે ફરિયાદ કરવા અનુરોધ કર્યો છે.