અમદાવાદ : મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. મેટ્રો કોર્ટે માલીની પટેલના ત્રણ એપ્રિલ સુધીના એટલે કે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે જગદીશ ચાવડાના બંગલાને પચાવી પાડવા માટે ફરિયાદ દાખલ થઈ હતી.
શું છે સમગ્ર મામલો :વડાપ્રધાન કાર્યાલયમાં પી.આર.ઓ તરીકે ફરજ બજાવતા હોવાની ઓળખાણ આપીને ઘણા લોકો સાથે ગંભીર પ્રકારની છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પીએમઓના અધિકારી કહીને બંગલો પચાવી પાડવાના કેસમાં માલીની પટેલની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માલીની પટેલના રિમાન્ડ મેળવવા માટે આજે મેટ્રો કોટમાં રજૂ કરવામાં આવી હતી.
બચાવના પક્ષના વકિલનું નિવેદન : આ સમગ્ર મામલે બચાવ પક્ષના વકીલ નિસાર વૈધએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ ત્રણ તારીખ સુધીના આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, માલીની પટેલના બેન્ક એકાઉન્ટ તેમજ એમના બીજા જે ઘર છે તે બાબતની તપાસ કરવી છે. આરોપી બીજા કોઈ કેસમાં સામેલ છે કે નહીં. તેમજ અન્ય કોઈ ગુના તેમના પર નોંધાયા છે કે નહીં તે તમામ બાબતોની તપાસ કરવી છે. માટે 14 દિવસના રિમાન્ડ આપવામાં આવે.
બચાવ પક્ષની રજૂઆત : બચાવ પક્ષ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, જે બનાવ માટે માલિની પટેલને ધરપકડ કરવામાં આવી છે. તે તદ્દન ખોટો બનાવટી ગુનો ઉભો કરવામાં આવ્યો છે. આ બનાવ એક વર્ષ પહેલાનો છે. FIRમાં એવું મેન્શન કરવામાં આવ્યું છે કે, બંગલો રીપેર કરવા માટે અમે કિરણ ભાઈને આપ્યો હતો .કિરણભાઈએ 25 લાખ રૂપિયા લઈને અમારો બંગલો રીનોવેશન કર્યો નથી એવા મતલબની ફરિયાદ કરી હતી. આ બંગલાના દાવા માટે મિરઝાપુર કોર્ટમાં 2022થી દાવો ચાલે છે. આ તમામ વાત બચાવ પક્ષ તરફથી કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. આ સાથે જો બેંક એકાઉન્ટ્સની વિગતો જોઈતી હોય તો તે માત્ર મિનિટે વિગતો મળી શકે છે. માત્ર આવા કારણોથી માલીની પટેલને પોલીસ કસ્ટડીમાં લઈ શકાય નહીં. ત્યારે આ સમગ્ર કેસમાં બંને પક્ષોની સુનાવણી સાંભળ્યા બાદ કોર્ટે માલીની પટેલના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.