અમદાવાદ : એક તરફી પ્રેમમાં પાગલ 40 વર્ષીય યુવાને પોતાનાથી અડધાથી પણ ઓછી ઉંમરની એટલે કે 17 વર્ષની સગીરનું ગળું કાપ્યું હોવાની ઘટના બની છે. સગીરા સાથે લગ્ન કરવા યુવાન હેરાન કરતો હતો. સગીરાએ પ્રસ્તાવ ઇનકાર કરતા આરોપીએ સગીરની હત્યાનો પ્રયાસ કર્યો છે. જોકે વાડજ પોલીસે એક તરફી પ્રેમમાં પાગલ યુવાનની ધરપકડ કરી છે.
શું હતો સમગ્ર મામલો : આ સમગ્ર મામલે આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપી ભરત બોડાણ દ્વારા એક તરફી પ્રેમમાં સગીરાનું છરીથી ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, સગીરા અને તેનો પરિવાર છેલ્લા 4 વર્ષથી વાડજ વિસ્તારમાં રહેવા આવ્યો હતો, અપરિણિત આરોપી ભરતની નજર સગીરા પર પડી હતી. તે સગીરા સાથે એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. બે વર્ષ પહેલા સગીરાને પામવા માટે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. પરતું સગીરાએ ઇનકાર કરી દીધો હતો.
કેવી રીતે કર્યો હુમલો : આ દરમિયાન સગીરાના પિતાનું અવસાન થતાં આરોપી ભરતે પિતા વગરની દીકરીને પામવા ફરી એક વખત હેરાન કરવાનું શરૂ કર્યું અને લગ્ન પ્રસ્તાવ લઈને સગીરાની માતા જોડે પહોંચી ગયો. આરોપી અને સગીરા વચ્ચે 23 વર્ષની ઉંમરનો ફરક હતો. જેથી તેની માતાએ લગ્ન કરવાની ના પાડી હતી. આરોપી ભરતે સગીરા સાથે લગ્ન નહીં થતા તેની હત્યાનું ષડયંત્ર રચ્યું. સગીરા સાંજે શાકભાજી લેવા ઘરેથી નીકળી ત્યારે આરોપી છરી લઈ તેનો પીછો કર્યો અને તેના ગળાના ભાગે હુમલો કર્યો હતો.