- અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા
- ઓઈલ ચોરી નેટવર્કનો પર્દાફાશ કરી લાખોનું ઓઈલ કબ્જે કર્યું
- પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓઈલ ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ ઓઈલ ચોરીના નેટર્વકનો પર્દાફાશ થયો છે અને લાખો રૂપિયાનું ક્રૂડ ઓઇલ પણ કબ્જે કરાયું છે.
પોલીસે અગાઉ 7 આરોપીઓની કરી હતી ધરપકડ
ઓઈલ ચોરીના કૌભાંડમાં પોલીસે અગાઉ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ બે આરોપીઓને પોલીસે ઝડપી 5 લાખના ઓઈલની ચોરી પકડી છે. આરોપીઓ ખેતર માલીકની જમીન ભાડે લઈને સલાયા મથુરા જતી ઓઈલ પાઈપલાઈનમાં પંચર પાડીને ઓઇલ ચોરી કરતાં હતા. આરોપીઓ ઈસ્માઈલ ઉર્ફે સમીર નૂર ભાઈ મોદન અને ઇમરાન નાયાણી સાથે મળીને ઓઈલ ચોરી કરતા હતા. જેમાં આરોપી ઈસ્માઈલ ચોરીના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર છે, ત્યારે ઓઈલ વેચવા આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આરોપી ઓઈલ ભાવનગર ખાતે વેચાણ આપવા આવ્યો હોવાની બાતમીને આધારે તેના રીસીવર ઇમરાનની પણ પોલીસે ધરપકડ કરી છે.
પોલીસે 4 લાખ 97 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો
આરોપી ઇમરાન પાસેથી પોલીસે 4 લાખ 97 હજારનો મુદ્દામાલ રિકવર કરીને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. જોકે, અત્યાર સુધીમાં લાખો રૂપિયાનું ઓઈલ ગેરકાયદેસર રીતે કોને કોને વેચ્યું તે બાબતે પણ પોલીસ પૂછપરછ કરી વધુ ખુલાસા કરી શકે છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓઈલ ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી