અમદાવાદ : બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી અને તેની લે-વેચ માટે અવનવા કીમિયા અપનાવવામાં આવતા હોય છે, ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે દારૂની હેરાફેરીમાં વપરાયેલી વૈભવી ગાડીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાંથી પકડી પાડી 76 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ દ્વારા પોલીસથી બચવા માટે AMCના મલ્ટી લેવલ પાર્કિંગમાં દારૂ ભરેલી ગાડી પાર્ક કરવામાં આવતી હોવાની હકીકત સામે આવી છે.
શુું છે સમગ્ર મામલો : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, કુંતલ ભટ્ટ, મુત્લીફ ઉર્ફે મુન્નો કાળીયો ભેગા મળીને બહારથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો અલગ અલગ કારમાં લાવીને પોતાના સાગરીત આશિષ પરમાર મારફતે દારૂ ભરેલી ગાડીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવરંગપુરા ખાતેના મલ્ટીલેવલ પાર્કિંગમાં પાર્ક કરીને મૂકી રાખી છે. જેથી આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાર્કિંગમાં તપાસ કરતાં ત્યાંથી પાર્કિંગના બેઝમેન્ટ 1 અને બેઝમેન્ટ 2 માંથી એક આઈ-20, ઈનોવા, અર્ટિગા, બ્રેઝા તેમજ નંબર વગરની ફોર્ચ્યુનર કાર મળી આવી હતી.
કેટલો દારુ ઝડપાયો : આઈ-20 ગાડી ખોલીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 8 પેટી, ઇનોવા કારમાંથી 13 પેટી, તેમજ છૂટી 44 બોટલો અને અર્ટિગા કારમાંથી 6 પેટી દારૂ, બ્રેઝા કારમાંથી ત્રણ પેટી દારૂ અને ફોર્ચ્યુનર કારમાંથી બિયરની ચાર પેટી મળી આવી હતી. સમગ્ર મામલે કુલ દારૂની 1.22 લાખની કિંમતની 918 બોટલ તેમજ 11 હજારની કિંમતના બિયરના 96 ટીન એમ કુલ મળીને 1.33 લાખથી વધુની કિંમતનો દારૂ તેમજ 75 લાખની કિંમતની પાંચ ફોરવ્હીલ એમ કુલ મળીને 76 લાખ 33 હજાર 546નો મુદ્દામાલ કબજે કર્યો છે.