અમદાવાદ : સ્ટેટ મોનિટરિંગ સેલ અને પીસીબીની સાથો સાથ ક્રાઈમ બ્રાન્ચ પણ દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહીમાં જોડાઈ છે. જેના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચે બે દિવસમાં બે જગ્યાઓ પરથી દારૂનું કટિંગ ઝડપી પાડી લાખોની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં એક કેસ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ્યારે અન્ય કેસ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સામે આવ્યો છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદના પોલીટેકનિક કમ્પાઉન્ડ પાસેથી બે ક્રાઈમ બ્રાન્ચે દારૂનું કટિંગ કરતા બુટલેગરની ધરપકડ કરી હતી. જેમાં રાણીપનો બુટલેગર રાજસ્થાનથી પાયલોટીંગ સાથે દારૂ અમદાવાદ લાવ્યો હોવાનો ખુલાસો થયો હતો. સાથે જ ઓર્ગેનિક વસ્તુના ડબ્બામાં દારૂની હેરાફેરી સામે આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે વિભાગે એક બુટલેગરની ધરપકડ કરી 1,400 બોટલ દારૂ કબ્જે કર્યો છે. જ્યારે ફરાર અન્ય 7 આરોપીની શોધખોળ હાથ ધરી છે.
13.43 લાખની કિંમતનો મુદ્દામાલ : ક્રાઈમ બ્રાંચે દારુ અને વાહનો સહિત 13.43 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે જીતેન્દ્ર ઉર્ફે જીતુ જયઅંબે રાવળને ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે દરોડા કરતા 7 બુટલેગર ભાગી છુટ્યા હતા. જેથી પોલીસે બે કાર, રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે બુટલેગરો રાજ્સ્થાનથી દારૂ અમદાવાદ સુધી લાવવા માટે પાયલોટીંગની મદદ લેતા હતા. આ ગુનામાં બાદરસિંહ વાઘેલા, ગુલાબસિંહ વાઘેલા, લક્ષ્મણરાવ દેવાસી, આનંદપાલસિંહ દેવડા, ચેતન માળી, બબલુ ક્રિશ્વિયન આ ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું હતું. તેવામાં જે ડબ્બામાં દારૂની બોટલો આવતી હતી. તે ડબ્બા ક્યાંથી અને કેવી રીતે બુટલેગરોને મળ્યા તે અંગે પૂછપરછ હાથ ધરાઈ છે.