અમદાવાદઃ લોકડાઉનના આ સમયમાં ગરીબ વર્ગને જ્યારે રોજગારીના અભાવે ભોજન મળવું મુશ્કેલ છે અને બીજીતરફ મધ્યમ વર્ગ જેની પણ રોજગારી અત્યારે ઠપ છે. ત્યારે તેમને સહાયની જરૂર હોય છે. આવી સહાયનું કાર્ય એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય અને પાલડી વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ધારાસભ્ય અને કાઉન્સિલરે લૉક ડાઉનમાં કર્યું સામાજિક કાર્ય લોકડાઉનના સમયમાં એલિસબ્રિજ તેમ જ પાલડી વિસ્તારમાં આસપાસમાં આવેલા ગરીબ વર્ગને અહીંના ધારાસભ્ય તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા જમવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. તો મધ્યમ વર્ગના લોકોને કરિયાણું પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે, આ કપરા સમયમાં જનતાના સેવક હોવાના નાતે તેમની ફરજ બને છે કે તેઓ લોકોને મદદ કરે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કરેલી અપીલ ઉપર એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય રાકેશ શાહ એક લાખ રૂપિયાનું દાન કોરોના ફંડમાં આપશે. ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયા મેડીકલ સાધનોની સહાય માટે આપશે. બીજી તરફ પાલડી વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર સુજય મહેતા પોતાનો એક મહિનાનો પગાર કોરોના રાહત ફંડમાં આપશે.ધારાસભ્ય તેમ જ મ્યુનિસિપલ કાઉન્સિલર બન્નેએ પ્રજાને અપીલ કરી હતી કે તેઓ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવામાં સહાયરૂપ બને. પોતાના ઘરની બહાર ન નીકળે અને તેમની કોઈપણ જાતની મદદની જરૂર હોય તો સરકાર અને તેમનો સંપર્ક કરે.