અમદાવાદ : અમદાવાદમાં એક વકીલને ફોન કરીને ગર્ભિત ધમકીઓ આપવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓના જામીન માટે વકીલે હાઈકોર્ટ સુધી પ્રયાસ કર્યો હતો. જોકે જામીન મંજૂર ન થતા તેના પરિવારજનો દ્વારા વકીલને આપેલી ફી પરત માંગીને ફોન પર ધમકીઓ આપતા આ મામલે નરોડા પોલીસે 9 લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આરોપીઓએ વકીલ પાસેથી આપેલી ફી પરત માગીને તેના બાળકનું અપહરણ કરવાની તેમજ વકીલના સસરાની હત્યા કરવાની, સાળી-પત્ની પર દુષ્કર્મ ગુજારવાની અને વકીલની હત્યાની ધમકીઓ આપતા મામલે વકીલે પોલીસની મદદ લીધી છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદ નાના ચિલોડા ખાતે રહેતા ધનુકુમાર કશ્યપ નામના વકીલે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. વકીલે નોંધાવેલી ફરિયાદ મુજબ સુરતના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાની ફરિયાદના નામે આરોપી હરીકરણ પુના તેમજ છત્રપાલ રાજા ભૈયા નીર જે બંને સુરતના હોય અને હાલ સુરતની લાજપોર જેલમાં છે. તે બંને આરોપીઓ અગાઉ વોન્ટેડ હતા, ત્યારબાદ વકીલે 1 જુલાઈ 2022ના રોજ વકીલ તરીકે ઇન્સાફી કામગીરી માટે કેસ સંભાળ્યો હતો.
આરોપીનો કેસ લડવા માટે : 9 મહિના થતાં આરોપીઓને જામીન ન મળતા તેના ઉત્તપ્રદેશના હમીરપુરના સગા સંબંધીઓ જેમાં રામજીવન નિષાદ, બાબુ સુંદર નિષાદ, બદન નિષાદ, પૂન્ના નિશાદ, રાજા ભૈયા નિષાદ, રમેશ સુંદર નિશાદ, જ્ઞાનમતી પુન્ના નિષાદ, જય કરણ પુન્ના નિશાદ તેમજ ઇન્દ્રજીત નિશાદ તે તમામે ભેગા મળી વકીલના સસરાને મળવા માટે ગયા હતા અને આરોપીનો કેસ લડવા માટે ફરિયાદી વકીલનો સંપર્ક કરવાનું કહેતા તેઓની ઓફિસે ખાતે આવ્યા હતા. કેસની ફી નક્કી કર્યા બાદ ફીસ એગ્રીમેન્ટ કર્યું હતું અને જે બાદ વકીલે કેસ સંભાળ્યો હતો અને હાઇકોર્ટ સુધી પ્રયત્ન કરવા છતાં આરોપીઓના જામીન ના મંજૂર થયા હતા.