અમદાવાદ : PMOમાં એડિશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપી કાશ્મીરમાં અનેક વખત મહેમાનગતિ માણનાર કિરણ પટેલની પોલ ખુલતા જ તેને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યો છે. જોકે તેના જુના કારનામાં એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં અંદાજે 18 કરોડની કિંમતનો શીલજનો બંગલો રીનોવેશનના નામે લઈને બંગલા બહાર પોતાની નેમ પ્લેટ લગાવી પચાવી પાડવાનો પ્રયાસ કરનારા કિરણ પટેલ સામે પૂર્વ પ્રધાનના ભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જોકે કિરણ પટેલ છેલ્લા 5 વર્ષથી ઘોડાસરના જે ઘરમાં રહેતો હતો. તે મકાનનું ભાડું 4 વર્ષથી ન ચૂકવ્યું હોવાનું સામે આવ્યું હતું.
પત્ની બાળકોને લઈને ફરાર : ઘોડાસરમાં આવેલા પ્રેસ્ટીજ બંગલોઝ સોસાયટી A-17 નંબરમાં બંગલા અમૃતાલાયમ જ્યાં કિરણ પટેલ પત્ની માલિની પટેલ પરિવાર સાથે રહેતો હતો. જે બંગલોના માલિકને છેલ્લા 4 વર્ષ સુધી કિરણ પટેલે ભાડું ચૂકવ્યું ન હોવાનું સામે આવ્યું છે. કિરણ પટેલની ધરપકડ બાદ તેની પત્ની માલિની પટેલ પણ બાળકો સાથે ઘરમાં તાળું મારીને ફરાર થઇ ગઈ છે. જોકે આ તમામ બાબતો વચ્ચે તે મકાનના માલિક વનારામ ચૌધરી અમદાવાદમાં કિરણ પટેલ સામે ફરિયાદ કરવા માટે મુંબઈથી આવ્યા હતા. પરતું એવું તો શું બન્યું કે તેઓ ફરિયાદ કર્યા વિના જ મુંબઈ પરત ફરી ગયા તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.
એક વર્ષ ભાડું આપ્યું : દર મહિને 12 હજાર રૂપિયાના ભાડા પેટે એક વર્ષ માટે કિરણ પટેલે બંગલો ભાડે લીધો હતો. એક વર્ષ ભાડું આપ્યા બાદ ભાડું ન આપીને બંગલો ખાલી પણ કર્યો ન હતો. જોકે તે સમયે બંગલાના માલિકે બંગલો થોડા મહિનાઓ માટે આપ્યો હોવાથી ભાડા કરાર કરાવ્યો ન હતો. પરંતુ હવે 4 વર્ષનું ભાડું ન ચૂકવી કિરણ પટેલે 5 લાખથી વધુ રકમની છેતરપિંડી આચરી અને બંગલો ખાલી ન કર્યો હોવાથી બંગલાના માલિક વનારામ ચૌધરી અમદાવાદમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા.