અમદાવાદ: શહેરમાં લોકડાઉન દરમિયાન એકદમ ચોખ્ખી રહેલી ખારીકટ કેનાલ હાલમાં કેમિકલયુક્ત પાણીથી ફરીથી પૂર્વવત ખદબદી રહી છે. હાલ તો આ કેનાલ સાફ દેખાય છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે, વહેલી સવારે અહીં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે.
નરોડાથી નારોલના પટ્ટામાં આ કેનાલમાં ઠેકઠેકાણે કેમિકલયુક્ત ગંદા પાણી ઠાલવવાની પ્રવૃતિ ફરીથી ધમધમતી થઇ ગઇ છે. આ મામલે સ્થાનિક આગેવાનો દ્વારા મ્યુનિસિપલ તંત્રનું ધ્યાન દોરીને ઘટતું કરવાની પણ માંગણી કરવામાં આવી છે.
લોકડાઉનમાં ચોખ્ખી રહેલી કેનાલ અનલોકમાં થઈ ગંદી અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં સિંચાઇનું પાણી પહોંચાડવાની ખારીકટ કેનાલ હવે ગટરોના ગંદા પાણી અને ઔદ્યોગિક એકમોના અત્યંત જોખમી કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવાનું માધ્યમ બનીને રહી ગઇ હોવાનું સાને આવ્યું છે. ત્યારે આ કેનલાને ચોખ્ખી રાખવા માટે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા હોવા છતાં તેમાં કેમિકલયુક્ત પાણી બેફામ છોડવામાં આવી રહ્યું છે.
આ બાબતે સ્થાનિક કપીલ દેસાઇના જણાવ્યા મુજબ આ મામલે મ્યુનિસિપલ તંત્રમાં વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાંય સમસ્યાનો ઉકેલ થતો નથી. કોરોના મહામારી અને ચોમાસા દરમિયાન આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે, જે કારણે આ અંગે તાત્કાલિક પગલા લેવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.