અમદાવાદ : ભગવાન શ્રી જગન્નાથજીની 146મી રથયાત્રા માટે શહેર પોલીસ સુસજ્જ બની છે, તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ વખતે રથયાત્રામાં આવનાર ભક્તોની સુરક્ષા માટે ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેના થકી રથયાત્રામાં આવનાર લાખો લોકોની સલામતી અને ભીડ મોબાઈલ- પાકીટ ચોરી જેવી ગુનાખોરી અટકાવી શકાશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજરાતના એક લાખ ગુનેગારોનો રેકોર્ડ એકત્ર કરી તે ગુનેગાર રથાયાત્રામાં દેખાય એટલે ગણતરીની મિનીટોમાં તેને પકડી લેવાય તે પ્રકારનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. એક તરફ આ વખતે આર્ટિફિશિયલ ઈન્ટેલિન્સનો ઉપયોગ અને ક્રાઈમ બ્રાન્ચનું આ નવુ પ્રોજેક્ટ બન્ને સાથે કામ કરીને રથયાત્રાની કિલ્લેબંધીમાં વધારો કરશે.
ગુનેગારોને પકડવા ખાસ એપ્લીકેશન :અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ફેસ ડિટેક્શન નામની એપ્લીકેશન તૈયાર કરી છે. જે એપ્લિકેશનમાં ગુજરાતના નાના-મોટા 40 હજાર જેટલા ગુનેગારોના ફોટો સહિતના ડેટાને મુકવામાં આવ્યો છે, જે ગુનેગારોમાં ચોરી, લૂંટ, ધાડ, હીસ્ટ્રીશીટર, ચેઈન સ્નેચર્સ અને આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુખ્યાત ગુનેગારોની માહિતી અને રેકોર્ડ એકત્ર કરવામાં આવ્યા છે. ગત વર્ષે ભગવાન જગન્નાથના મંદિરે ફેસ ડિટેક્શન કેમેરા લગાવવામાં આવ્યા હતા જે કેમેરામાં કોઈ પણ ગુનેગાર નજરે પડે તો તરત જ પોલીસને જાણ કરી દેવાય તેવી સિસ્ટમ સેટ કરવામાં આવી હતી, ત્યારે આ વખતે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સમગ્ર આ પ્રકારની કામગીરી રથયાત્રાના આખા રૂટ પર કરશે.
ગુજરાતના એક લાખે ગુનેગારોનો ડેટા : એપ્લીકેશનમાં આ વખતે નિર્ભયા, તર્કશ પ્રોજેક્ટમાં જે ગુનેગારોનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો તે તમામ ડેટા મર્જ કરી દેવાયો છે, એટલે અલગ અલગ જગ્યાઓ પર રોમિયોગીરી કરતા ઝડપાયેલા આરોપીઓનો પણ ડેટા આ એપ્લિકેશનમાં સેટ કરી દેવાયો છે. જેથી રોમિયોગિરી કરનાર ગુનેગારો પણ રથયાત્રામાં જોવા મળશે તો તેને પણ પકડી લેવામાં આવશે. સાથે જ ગુજરાત સરકારના સીઆઈડી ક્રાઈમ પાસે પણ જે કુખ્યાત ગુનેગારોનો ડેટા છે. તેને પણ આ એપ્લિકેશનમાં મર્જ કરી અંદાજે એક લાખ જેટલા ગુનેગારોની વિગત એડ કરવામાં આવી રહી છે. જે એક લાખ ગુનેગાર માંથી કોઈ પણ રથયાત્રામાં કોઈ પણ જગ્યાએ દેખાશે તો તરત જ તેને પકડી પાડવામાં આવશે.
ક્રાઈમ બ્રાન્ચ ખાતે ઉભો કરાશે કંટ્રોલ રૂમ :અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા છેલ્લા 6 મહિનાથી આ એપ્લિકેશન પર કામ કરવામાં આવી રહ્યું છે, આ એપ્લીકેશનના ડેટા અને રૂટ પરના હજારો કેમેરા, લાઈવ ડ્રોન કેમેરા તેમજ શહેર પોલીસના બોડી વોર્ન કેમેરા, મુવિંગ કેમેરા તમામથી ભીડ પર નજર રાખી ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. જેમાં વિડીયો એનાલિટીક્સ ટીમ દ્વારા સતત લાઈવ મોનીટરીંગ કરવામાં આવશે અને કોઈપણ ગુનેગાર કોઈપણ જગ્યાએ દેખાશે એટલે તરત જ નજીકની પોલીસને જાણ કરી તેને ઝડપી લેવાશે. કંટ્રોલરૂમ ખાતે 2 પીએસઆઈ અને 10થી વધુ પોલીસ સ્ટાફ સતત લાઈવ મોનીટરીંગની કામગીરી કરશે.
250 બોડીવોર્ન કેમેરાનું લાઈવ મોનીટરીંગ :અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોવાથી પોલીસ બંદોબસ્ત પણ હજારોમાં હોય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના 2500 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પાસેના બોડી વોર્ન કેમેરામાંથી 250 જેટલા લાઈવ બોડી વોર્ન કેમરાની ફીટ મેળવશે અને વિડીયો એનાલિટીક્સ ટીમ એનું લાઈવ એનાલીસીસ કરશે.