અમદાવાદ :શહેર ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડા વિસ્તારમાંથી 12 શખ્સોની ધરપકડ કરીને ક્રિકેટ સટ્ટાના પર્દાફાશ કર્યો છે. પોલીસે દુબઈ સાથે જોડાયેલા IPL T-20 ક્રિકેટ મેચના સટ્ટાના કનેક્શનનો પર્દાફાશ કર્યો છે. ઓનલાઇન વેબસાઈટ પરથી બનાવેલી માસ્ટર આઇડીના આધારે ગ્રાહકોને જુદા જુદા નામના આઈડીઓ બનાવવા માટે દુબઈ ખાતે ટ્રેનિંગ આપી તૈયાર કર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના આરોપીઓની તપાસમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે.
કોણ છે આ આરોપી : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાંદખેડા વિસ્તારમાં આવેલા રોયલ ઓર્ચીડ બંગલોઝમાં 7 નંબરના બંગલામાંથી રાજસ્થાનના ભવરલાલ ચૌધરી, અશોકરામ સૈન, અશોકદાસ સંત, ભીયારામ ડુકિયા, પ્રકાશ ઉર્ફે મુન્નો માળી, કિશનલાલ જાટ, આસુરામ ચૌધરી, ઘેવરચંદ જાટ, કેશારામ ચૌધરી, રાજેન્દ્ર પ્રજાપતિ તેમજ ઉત્તરપ્રદેશના સુનિલકુમાર ગૌતમ અને દિલીપકુમાર ગૌતમ નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 26 મોબાઈલ ફોન, રોકડ રકમ, યુએઈની પાંચ ચલણી નોટો, નેપાળની એક ચલણી નોટ, ચાર લેપટોપ, સાત આધાર કાર્ડ અને ક્રિકેટ સટ્ટાના વ્યવહારોની નોંધના 9 ચોપડા એમ કુલ મળીને 4 લાખ 84 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
કેવી રીતે આ રેકેટ ચાલતું : આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ માલી, દિલીપ સોલંકી તેમજ જીતુ માલીએ ભેગા મળી પકડાયેલા આરોપીઓને દુબઈ ખાતે ક્રિકેટ મેચના જુગાર રમવા માટે ઓનલાઈન વેબસાઈટ તેમજ માસ્ટર આઇડી બનાવ્યું. જેના દ્વારા ગ્રાહકોની આઇડીઓ બનાવી આપી અલગ અલગ રકમને અન્ય વ્યક્તિઓના નામના ખોટા બેંક એકાઉન્ટ ખોલાવી તે બેન્ક એકાઉન્ટમાં રકમ જમા કરાવી તેમજ હારજીતના નાણાની રકમ જમા કરાવતા હતા. અમુક રકમ જમા થાય તે રકમ અન્ય બેંકમાં ટ્રાન્સફર કરી તેના સાગરીતો સાથે વર્ચ્યુઅલ નંબરના વોટ્સએપ કોલથી સંપર્કમાં રહી આર્થિક લાભ મેળવી ક્રિકેટ મેચના સટ્ટાના જુગારનું મોટું રેકેટ ચલાવતા હોવાનો ખુલાસો થયો છે.
રેકેટ ચલાવવા માટે બંગલો ભાડેથી રાખ્યો :આરોપીઓ પૈકી રવિન્દ્ર ઉર્ફે રવિ માલી દિલીપ સોલંકી તેમજ જીતુ માલિ દ્વારા ક્રિકેટ મેચના સટ્ટાનું રેકેટ ચલાવવામાં આવતું હતું. જે બાબતે થોડા દિવસ અગાઉ ગાંધીનગર જિલ્લા એલસીબી દ્વારા દરોડા કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે કેસમાં બંને આરોપીઓ વોન્ટેડ છે. રવિન્દ્ર ઉર્ફે રવિ માલી તેમજ જીતુ માલીએ ભેગા મળીને ક્રિકેટ મેચના જુગારનું રેકેટ ચલાવવા માટે ચાંદખેડામાં બંગલો ભાડેથી રાખ્યો હતો. ઓનલાઇન વેબસાઈટ પરથી બનાવેલી માસ્ટર આઇડીના આધારે ગ્રાહકોને જુદા જુદા નામના આઈડીઓ બનાવવા માટે દુબઈ ખાતે ટ્રેનિંગ આપી તૈયાર કર્યા હતા. રાજસ્થાન તેમજ ઉત્તરપ્રદેશના છોકરાઓને ભાડાના બંગલામાં રહેવા અને જમવાની સગવડ કરી આપી હતી. તેઓને લેપટોપ, મોબાઈલ તેમજ ડમી બેન્ક એકાઉન્ટ નંબરો આપી ગ્રાહકોને બનાવી આપેલ આઇડી પેટે મેળવેલી રકમ ડમી એકાઉન્ટમાં જમા કરાવતા હતા.