અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ મેચ જોવા માટે જઈ રહેલા લોકોને ખાલિસ્તાની આતંકીઓએ ઘરમાં રહો, સુરક્ષિત રહોના પ્રિરેકોર્ડેડ મેસેજ કરીને ધમકીઓ આપી હોવાની બાબત સામે આવી છે. જે મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પ્રી રેકોર્ડેડ મેસેજ ટ્રેસ કરીને જાણવાજોગ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
રાજ્યની પોલીસ એલર્ટ પર : મહત્વનું છે કે આ પ્રકારની પ્રિરેકોર્ડેડ ધમકીઓ મળતા ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડીઓ સહિત સ્ટેડિયમમાં આવનાર તમામ પ્રેક્ષકોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે જાણવા જોગ દાખલ કર્યા બાદ સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ પર જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મેચ નિહાળવા માટે આવ્યા તે પહેલા જ આ રેકોર્ડેડ મેસેજ રાજ્યમાં અનેક લોકોને કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે.
રેકોર્ડ થયેલા મેસેજ : અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંહના પન્નુના અવાજમાં રેકોર્ડ થયેલા મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અનેક ઉચ્ચારણો કર્યા છે. ગુજરાતના લોકોને ઘરમાં રહો, સુરક્ષિત રહો તે પ્રકારે અંગ્રેજીમાં મેસેજ કરવામાં આવ્યો છે. જે મેસેજ રાજ્યના અલગ અલગ જિલ્લાના લોકોને ફોન કરીને સંભળાવવામાં આવ્યો છે.
મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ મેસેજને ટ્રેસ કરીને તપાસ શરૂ કરી છે, ત્યારે આ મેસેજ પાકિસ્તાન બેઝ ખાલીસ્તાની ગ્રુપના લોકોનું ષડયંત્ર હોવાનો ખુલાસો થયો છે. આ મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનના નામ જોગ સંબોધન પણ જોવા મળી રહ્યું છે, જેના પગલે પોલીસે સુરક્ષામાં વધારો કર્યો છે.