એસિડ પીવડાવી યુવકની હત્યા કરનાર પત્ની, સાસુ-સસરા સહિત ચાર લોકોની ધરપકડ અમદાવાદ:માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શાહપુરમાં ઘરેલુ ઝઘડામાં યુવકની કરાયેલી હત્યા મામલે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પતિ પત્ની વચ્ચે અવારનવાર અણબનાવ થતા પિયરમાં રિસામણે ગયેલી પત્નીને મનાવવા ગયેલા પતિને પત્ની સાસુ- સસરા અને અન્ય વ્યક્તિએ ભેગા મળીને માર માર્યો હતો. જે બાદ પત્ની સાસુ, સાળા અને એક અન્ય વ્યક્તિએ જબરદસ્તી તેને એસિડ પીવડાવી દેતા તેને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે અંતે માધવપુરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડો:અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આવેલા મજૂર ગામમાં રહેતા જીગ્નેશ વાઘેલાના મોટાભાઈ પ્રહલાદભાઈના બે વખત લગ્ન થયા હતા. અગાઉ વર્ષ 2007માં ભારતીબેન સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ છૂટાછેડા થતા વર્ષ 2010માં શિલ્પાબેન સાથે બીજા લગ્ન થયા હતા. જે બાદ પ્રહલાદભાઈ તેમની પત્ની શિલ્પાબેન તેમજ તેની બે પુત્રી સાથે અલગ રહેતા હતા. પ્રહલાદભાઈ અને તેઓની પત્ની શિલ્પાબેન વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હોય અને છેલ્લા એક મહિનાથી તેઓની પત્ની શિલ્પાબેન તેઓના પિયર શંકર ભુવનના છાપરા શાહપુર ખાતે રહેવા જતા રહ્યા હતા.
બળજબરીપૂર્વક એસિડ પીવડાવ્યું: ફરિયાદીના બહેને તેઓને જણાવ્યું હતું કે સવારના 11 વાગ્યા આસપાસ શંકર ભુવનના છાપરા પાસે અર્બન હેલ્થ સેન્ટર પાસે ફૂટપાથ ઉપર પ્રહલાદભાઈ સુતેલી હાલતમાં મળી આવ્યા હતા. તેઓને શરીરે ઇજાના નિશાન હોય જેથી આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે તે પત્ની શિલ્પાને લેવા માટે સાસરીમાં ગયા હતા. ત્યારે પત્ની શિલ્પાએ માસ્ટર પેટ્રોલ પંપ ખાતે બોલાવ્યો હતો અને અગાઉના ઝઘડાની અદાવત રાખીને પત્ની શિલ્પા સાસુ શકુબેન પરમાર તેમજ મનોજભાઈ વાઘેલા નામના વ્યક્તિ તેમજ તેઓનો સાળો દીપક પરમાર તમામે ભેગા થઈને તેને માર્યો હતો. ત્યાંથી શંકર ભુવનના છાપરા પાસે લઈ જઈ રાત્રે 2 વાગે આસપાસ જબરદસ્તીથી ચારે જણાએ તેને એસિડ પીવડાવ્યું હતું.
સારવાર દરમિયાન મોત: ભાઈની વાત સાંભળીને તરત જ ફરિયાદીએ 108 બોલાવી પ્રહલાદ વાઘેલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં રાતના સમયે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય આ સમગ્ર બાબતને લઈને તેઓએ માધવપુરા પોલીસ પથકે હત્યા, મારામારી સહિતની કલમો હેઠળ શિલ્પાબેન પ્રહલાદભાઈ વાઘેલા, તેઓની માતા શકુબેન પરમાર, મનોજ વાઘેલા અને સાળા દીપક પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.
પત્ની સહિતના સાસરિયાઓની ધરપકડ:આ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી.એચ મકવાણાએ જણાવ્યું હતું કે આ મામલે ગુનો નોંધાતા જ ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પારિવારિક ઝઘડામાં જ આ હત્યા કરવામાં આવી છે. આરોપીને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.
- Uttar Pradesh Crime News : સુલતાનપુરમાં બાળકો સામે થઇ માતાની હત્યા, કલાકો સુધી મૃતદેહ સાથે બેઠો રહ્યો હત્યારો પતિ
- Woman headless body found in Jodhpur: રાજસ્થાનમાંથી મહિલાનો માથા વગરનો મૃતદેહ મળી આવ્યો, FSLની ટીમ સ્થળ પર બોલાવાઈ