અમદાવાદ : શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, મહત્વનું છે કે છેલ્લા ત્રણ દિવસમાં બે હત્યાની ઘટનાઓ બનતા હાલ તો હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ત્યારે હાલમાં જ સોલામાં યુવતી સાથે વાત કરવા મામલે એક યુવકે અન્ય યુવકની હત્યા કરી હતી. તેવામાં વસ્ત્રાલ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જોકે આ ઘટનામાં આરોપી પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પત્નીની મૃત્યુને આત્મહત્યામાં ખપાવવાનો માટે માસ્ટર પ્લાન બનાવ્યો હતો, પરંતુ તે પ્લાન નિષ્ફળ નિવડતા તેને હવાલાતમાં જવાનો વારો આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો : વસ્ત્રાલ રિંગરોડ પર આવેલા ગજાનંદ એપાર્ટમેન્ટમાં હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પૂજા મહેરીયા નામની મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક પૂજા મહેરીયાના અગાઉ મહેસાણા ખાતે લગ્ન થયા હતા. લગ્નજીવનમાં તેને એક 12 વર્ષનો દીકરો છે. જોકે પતિ-પત્ની વચ્ચે મનમેળ ન રહેતા તેણે છૂટાછેડા લીધા હતા. જે બાદ મેહુલ મહેરીયા નામના યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા, જે લગ્ન જીવનમાં તેને એક બે વર્ષનો દીકરો પણ છે. પરંતુ પૂજા મહેરિયાને પૂર્વ પતિ સાથે અવારનવાર વાતચીત થતી હોય જે બાબતને લઈને અવારનવાર પૂજાને પતિ સાથે બોલાચાલી અને ઝઘડો થતો હતો.
એક ઘૂંટડો ઝેરનો : પાંચમી માર્ચે પતિ-પત્ની વચ્ચે તે જ બાબતને લઈને ઝઘડો થતાં પૂજા મહેરીયાએ પોતાની પાસે રહેલી બોટલમાંથી એક ઘૂંટડો ઝેર પીને પતિ મેહુલ મહેરિયાને ફસાવી દેવાની ધમકી આપતા પતિ ઉશ્કેરાયો હતો. તેણે તે જ સમયે પત્નીને પતાવી નાખવાનો પ્લાન બનાવી દુપટ્ટાથી પત્ની પૂજા મહેરિયાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આત્મહત્યામાં ખપાવવા માસ્ટર પ્લાન : હત્યા કર્યા બાદ આરોપીએ પત્નીના મૃત્યુ આત્મહત્યામાં ખપાવવા માટે ખાસ પ્લાન બનાવ્યો હતો. તે પોતાના બે વર્ષના દીકરાને લઈને ઘરમાં તાળું મારીને નશો કરવા માટે જતો રહ્યો હતો. બે કલાક બાદ પરત આવી ઘરમાં તાળું ખોલી અંદર જઈને પત્નીના ગળામાં દુપટ્ટો બાંધી તેમજ પંખાની નીચે ખુરશી અને ડબ્બો મૂકીને આસપાસના લોકોને એકઠા કર્યા હતા. પત્ની પૂજા મહેરીયાએ ઘરમાં આત્મહત્યા કરી લીધી હોય તે પ્રકારની જાહેરાત કરી હતી. જે બાદ રામોલ પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે મોકલીને અકસ્માત મૃત્યુ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.