અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં ચારિત્ર્યની શંકા રાખીને એક યુવકે તેની પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. 42 વર્ષીય મહિલાને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ ઓઢવ પોલીસે શરૂ કરી છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રબારી વસાહતમાં રહેતી 42 વર્ષે મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. મહિલા ઓઢવમાં એક મહિનાથી ભાડેથી રહે છે અને ઘરકામ કરે છે. જ્યારે તેનો પતિ દુર્ગા પ્રસાદ ભઠ્ઠી ખાતામાં મજૂરી કામ કરે છે, મહિલાને સંતાનમાં 20 વર્ષીય દીકરો હોય જે મજૂરી કામ કરે છે. તેનો પતિ અવારનવાર તેના ઉપર શક વહેમ રાખી બોલા ચાલી અને ઝઘડો કરતો હતો.
પતિએ પત્નીને માર મારવાનું શરૂ કર્યું : 18 જૂન 2023ના રોજ રાતના સમયે મહિલા તેના પતિ અને દીકરા સાથે ઘરે હાજર હતી, તે વખતે તેના પતિએ તેને "તું કેમ બહાર બીજા સાથે વાતો કરે છે" તેમ કહ્યું હતું. જેથી મહિલાએ પોતે કોઈની સાથે વાતો ન કરતી હોય અને તમે મારા પર ખોટો શક વહેમ રાખો છો, તેવું કહેતા પતિએ તેને ગાળો આપી હતી અને માર મારવાનું શરૂ કર્યું હતું. જેથી મહિલાના દીકરાએ તેઓના ગામના કાકા રોહિતભાઈને ફોન કરીને આ બાબતે જાણ કરી હતી.
પત્નીના ગળા પર ચપ્પુ ફેરવ્યું : જે બાદ મહિલાના પતિ દુર્ગા પ્રસાદે તેને અને દીકરાને ઘરની બહાર નીકળી જવાનું કહેતા મહિલા તેઓના દીકરા સાથે રૂમની બહાર દરવાજા આગળ ઓટલા પર બેસી ગઈ હતી. તે વખતે તેઓના કૌટુંબિક દિયર રોહિતભાઈ પણ ત્યાં આવી ગયા હતા. જે દરમિયાન મહિલાનો પતિ દુર્ગા પ્રસાદ રૂમમાંથી બહાર આવ્યો હતો અને અચાનક જ મહિલાના ગળા ઉપર ચપ્પુ મારી દીધું હતું. તેથી તેને લોહી નીકળતા બૂમાબૂમ કરતા તેઓના દીકરા અને દિયરે છોડાવ્યા હતા અને આજુબાજુના લોકો એકઠા થતા પતિ ત્યાંથી ભાગી ગયો હતો.
આ અંગે મહિલાની ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો હોય તેની શોધખોળ ચાલુ છે. - જે.એસ કંડોરિયા (ઓઢવ પોલીસ સ્ટેશનના PI)
પત્નીને કરવી પડી ફરીયાદ : મહિલાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. અંતે આ મામલે તેમણે ઓઢવ પોલીસ મથકે પતિ સામે હત્યાનો પ્રયાસ, ઘરેલું હિંસા અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- Vadodara Crime : અજબડી મિલ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાથી એફએસએલ અને ક્રાઇમ બ્રાન્ચે કેસ હાથમાં લીધો
- Delhi News: દિલ્હીમાં બે સગી બહેનોની ગોળી મારી હત્યા, ફાયરિંગની ઘટનાનો વીડિયો આવ્યો સામે
- Vapi Crime: વાપીમાં નેપાળી મહિલાની હત્યા કરનાર હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો