અમદાવાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા પીસી પીએનડીટી એક્ટ હેઠળ લિંગ પરીક્ષણ કરતી બે હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન સીલ કરાયાં હતાં. તંત્ર દ્વારા પાડવામાં આવેલી દરોડા દરમિયાન ડોક્ટર દંપતિએ ગુનો સ્વીકારતાં કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદ : દીકરીઓને ગર્ભમાં જ મારી નાખતાં માતાપિતાને તે પ્રકારનું કામ કરી આપતાં ડોક્ટરોનો સાથ મળે ત્યારે વાત ખૂબ જ ગંભીર બને છે. અમદાવાદમાં કેટલીક જગ્યાઓએ થતી આ પ્રકારના કૃત્યોની આશંકા જતાં જિલ્લા આરોગ્ય વિભાગે બોડકદેવ અને સોલામાં આવેલી હોસ્પટલમાં દરોડો પાડ્યો હતો. જેમાં લિંગ પરીક્ષણ કરતાં સોનોગ્રાફી મશીનો મળતાં સીલ કરાયાં હતાં અને ડોક્ટર દંપતિએ તેમને ગુનો કબૂલ્યો હતો.
લિંગ પરીક્ષણની આશંકાથી દરોડો : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બોડકદેવમાં વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સોલા રોડ પર મધર્સ પ્રાઇડ હોસ્પિટલમાં લિંગ પરીક્ષણ થતું હોવાની આશંકાના આધારે પીસી પીએનડીટી એક્ટ હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો.
25000માં લિંગ પરીક્ષણ : આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી કચેરીના જણાવ્યા પ્રમાણે ડોક્ટર નિકુંજ શાહ અને ડોક્ટરો મીનાક્ષી શાહ લાંબા સમયથી ગાયનેકોલોજિસ્ટ તરીકે તબીબી પ્રેક્ટિસ કરે છે. ડોક્ટર નિકુંજ શાહ અને ડોક્ટરો મીનાક્ષી શાહ દંપતિ છે. તેઓની પોતાની બોડકદેવ વિસ્તાર તથા સોલા રોડ પર એમ બે ખાનગી હોસ્પિટલો ધરાવેે છે. આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ડોક્ટર નિકુંજ શાહ અને ડોક્ટરો મીનાક્ષી શાહ રૂપિયા 25000ની રકમ લઇ ગર્ભવતી પેશન્ટનું લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરી આપતા હતાં.
તબીબ દંપતિએ ગુનો સ્વીકાર્યો : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષ પરમાર તથા તેમની ટીમ દ્વારા બોડકદેવ વિસ્તારની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં જઈને દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ડૉ. નિકુંજ શાહ તથા ડૉ. મીનાક્ષીએ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો કે તેમના દ્વારા પેશન્ટને ગર્ભ પરીક્ષણ કરી આપવામાં આવતું હતું.
સોનોગ્રાફી મશીન સીલ :દરોડાની કાર્યવાહી બાદ જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીની ટીમ દ્વારા બંને હોસ્પિટલમાં પંચનામું કરવામાં આવ્યું હતું. બંને હોસ્પિટલમાંથી એક એક સોનોગ્રાફી મશીન હતું તે પણ સીલ કરવામાં આવ્યું છે. વધુ પુરાવા માટે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ લઇને કબજે કરાયાં હતાં. ડૉ નિકુંજ તથા ડૉ. મીનાક્ષી એમ બંને તબીબ ઉપર ફોજદારી ધારા હેઠળ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા આરોગ્ય વિભાગે દરોડા પાડી મશીન સીલ કર્યાં
ચાર વર્ષથી સતત કાર્યવાહી : જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર શૈલેષ પરમારે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા અવારનવાર કરવામાં આવતા આ પ્રકારના ઓપરેશનના કારણે અમદાવાદ જિલ્લાના સેક્સ રેશિયોમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે, તથા દીકરીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે, પીસી પીએનડીટી એક્ટ પ્રમાણે ગર્ભ પરીક્ષણ કરવું ગેરકાનૂની માનવામાં છે. અમદાવાદ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કચેરી દ્વારા ચાર વર્ષમાં આ પ્રકારના દરોડા પાડી લિંગ પરીક્ષણ કરતાં અલ્ટ્રા સાઉન્ડ મશીન સીલ કરી દેવાયાં છે.જે કાર્યવાહીના પગલે અમદાવાદ જિલ્લામાં આ કારણસર સેક્સ રેશિયોમાં સુધારો થયો હોવાનું પણ કચેરી દ્વારા જણાવાયું હતું.
લિંગ પરીક્ષણો અટકાવાશે જ : સમગ્ર કાર્યવાહી દરમિયાન જિલ્લા કલેકટર પ્રવીણા ડી કે અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં લિંગ પરીક્ષણો અટકાવી બાળકીઓનો જન્મદર સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આગામી સમયમાં પણ લિંગ પરીક્ષણ કરતાં ડોક્ટર્સ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.