શહેરમાં અસામાજીક તત્વોનો ત્રાસ, નજીવી બાબતે લુખ્ખાએ જાહેરમાં યુવતીને માર માર્યો અમદાવાદ :શહેરમાં અસામાજીક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. લુખ્ખા તત્વો નજીવી બાબતમાં પણ મારામારી કરતા અચકાતા નથી. ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં એક શખ્સે નજીવી બાબતે યુવતી સાથે માથાકૂટ કરી માર માર્યાનો બનાવ બન્યો છે. આ મામલે પીડિત યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
લુખ્ખા તત્વોનો ત્રાસ : યુવતી પર થયેલા હુમલાની આ ઘટના પર નજર કરવામાં આવે તો નરોડાના ગેલેક્સી વિસ્તાર પાસે એક એક્ટિવા ઉપર બે બહેનો જઈ રહી હતી. ત્યારે એક્ટિવા આગળ એક શખ્સ ચાલતા જઈ રહ્યો હતો. દરમિયાન યુવતીએ શખ્સને દૂર થવા હોર્ન મારતા માથાભારે શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો. હોર્ન મારવા જેવી નજીવી બાબતે માથાભારે શખ્સ દ્વારા યુવતી પર હુમલો કરવામાં આવ્યો હતો.
નજીવી બાબતે હુમલો : ફરિયાદી યુવતીના જણાવ્યા અનુસાર આ માથાભારે શખ્સે હોર્ન કેમ મારે છે તેવું કહી એક્ટિવા પર જઈ રહેલી યુવતી સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ યુવતીને માથામાં બોટલ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આટલું ઓછું હોય તેમ માથાભારે શખ્સે યુવતીને ઢોર માર પણ માર્યો હતો. મારામારીની આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થતાં યુવતીને મારનાર શખ્સને પકડી લઈ સ્થાનિકોએ હુમલાખોરને બરાબર મેથીપાક ચખાડ્યો હતો. જ્યારે બીજી તરફ યુવતીને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પોલીસ કાર્યવાહી : સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં બનેલી ઘટનાથી સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. યુવતી પર કરવામાં આવેલા હુમલામાં સંડોવાયેલા આ માથાભારે શખ્સ ગંભીર ગુનામાં વોન્ટેડ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે આ શખ્સ અને હુમલાનો ભોગ બનનાર યુવતી એકબીજા સાથે પરિચિત હોવાનો પણ ખુલાસો થયો છે. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને હુમલા અંગે સરદારનગર પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતી સારવાર હેઠળ :સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ હાલમાં ઝોન 4 DCP કાનન દેસાઈએ હુમલાનો ભોગ બનનાર યુવતીના પરિવારને આશ્વાસન આપીને જણાવ્યું છે કે, આ કેસમાં ન્યાયિક તપાસ કરવામાં આવશે અને ગુનેગારને જેલ હવાલે કરવામાં આવશે. જોકે આ શખ્સ અંગે પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, પકડાયેલો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી વિરૂધ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જોકે હાલ તો યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. ઉપરાંત આરોપી વિરૂધ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Ahmedabad Crime: અમદાવાદમાં એટીએમ તોડી લાખોની લૂંટ કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં
- Ahmedabad Crime News: કણભામાં વિધવાની હત્યાનો ગુનો ઉકેલાયો, પ્રેમીએ જ આવેશમાં કરી હતી હત્યા