અમદાવાદ : નિવૃત્ત IPS બાવકુભાઇ જેબલિયાના પુત્ર સામે સોલા પોલીસે આખરે એક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી નિરવ જેબલિયાએ ગાડી વેચવાનું કહી લાખો રૂપિયા પડાવી નાણાં કે ગાડી ન આપી છેતરપિંડી વિશ્વાસઘાત કરતા સોલા પોલીસે અરજી લીધી હતી. બાદમાં અરજીના કામે હવે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો : થલતેજમાં રહેતા વિજય મિશ્રા કાર લે વેચનું કામ કરે છે. ગત તારીખ 26 એપ્રિલ 2023માં હાઇકોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા કિરણ બારોટ પણ વકીલોને ગાડી લે વેચ કરતા હોવાથી વિજયભાઇને તેમનો ફોન આવ્યો હતો. કીરણભાઇએ આ વિજયભાઇને જણાવ્યું કે, તેમના મિત્ર નિરવ બાવકુભાઇ જેબલિયાને ગાડી વેચવાની છે. જેથી વિજયભાઇ ગાડી લેનારને સાથે રાખી હાઇકોર્ટ ગયા હતા. ત્યાં નિરવ જેબલિયા આવ્યો અને તેણે ગાડી બતાવી હતી. બાદમાં નિરવ જેબલિયા સાથે 10.25 લાખમાં સોદો થયો હતો. નિરવે બે લાખ ટોકન પણ માંગ્યા હતા. જોકે તે સમયે 50 હજાર હોવાથી તે 50 હજાર ટોકન પેટે આપી તેઓ ડીલ કરી રવાના થયા હતા અને બાદમાં બીજા દોઢ લાખ આપ્યા હતા.