હોટલ ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળતા કપલને પોલીસની ઓળખ આપી પૈસા ખંખેરતી ગેંગ ઝડપાઈ અમદાવાદ: ક્રાઇમ કરતી ટોળકીએ તો હવે પોલીસને પણ બાકાત રાખી નથી. પોલીસના નામે હવે પૈસા ઉઘરાવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં એવી જ ઘટના બની છે. શહેરમાં ફરી એકવાર નકલી પોલીસની ટોળકી સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં આવેલા રિંગ રોડ પર આવેલી હોટલ અને ગેસ્ટહાઉસમાંથી બહાર આવતા કપલને પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી, ડરાવી ધમકાવી બળજબરીથી રૂપિયા પડાવી લેતી ટોળકી ઝડપાઈ છે. આ મામલે રોકડ રકમ અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આરોપીઓની ધરપકડ:રામોલ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વસ્ત્રાલ ચાર રસ્તા પાસે પુષ્પ બીઝનેસ કોમ્પલેક્ષ સામે રોડ પરથી હિતેશ ઉર્ફે કૃણાલ શાહ, ફિરોજ અલીહુસેન શેખ, શાહરુખ અન્સારી અને સિરાજ ખાન પઠાણ એમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મોટાભાગના આરોપીઓ વટવા વિસ્તારના રહેવાસી હોય અને તેઓની પાસેથી તપાસ કરતા રોકડ રકમ 13 હજાર અને બે વાહનો તેમજ બે મોબાઈલ મળીને 1 લાખ 35 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો Ahmedabad News : સાંસદ કિરીટ પટેલે અટલબ્રિજ પહોચી કહી મોટી વાત
નકલી પોલીસની ઓળખ:આ મામલે પકડાયેલા આરોપીઓમાં હિતેશ ઉર્ફે કુણાલ શાહ તેમજ ફિરોજ અલી હુસેન શેખ અગાઉ રામોલ તેમજ બાપુનગર અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે નકલી પોલીસના ગુનામાં ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. તેવામાં પકડાયેલા આરોપીઓએ અત્યાર સુધી કેટલા લોકો સાથે આ પ્રકારે નકલી પોલીસની ઓળખ આપીને ઠગાઈ કરી બળજબરીથી પૈસા પડાવ્યા છે, તે તમામ દિશામાં રામોલ પોલીસે આરોપીઓને પૂછપરછ શરૂ કરી છે. આ અંગે આઈ ડિવિઝન એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા નાની મોટી રકમ અનેક લોકો પાસેથી આ રીતે પડાવવામાં આવી છે હાલ પકડાયેલા આરોપીઓને વધુ પૂછપરછ હાથ કરવામાં આવી છે.
આ પણ વાંચો Ahmedabad News : મુખ્યપ્રધાનના મતવિસ્તારમાં બનશે ફ્લાય ઓવર બ્રિજ, કેટલો ખર્ચ અને કેવો હશે બ્રિજ જૂઓ
પૈસા પડાવવાનું નક્કી:આરોપીઓની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તે તમામ મિત્રો હોય અને કોઈ પણ કામ ધંધો કરતા ન હોય તેઓએ નકલી પોલીસ બનીને પૈસા પડાવવાનું નક્કી કર્યું હતું. 8મી એપ્રિલ 2023 ના રોજ બપોરના ત્રણ વાગ્યે ચારે જણા વસ્ત્રાલ ચાર રસ્તા પાસે મોટરસાયકલ લઈને ઊભા હતા. એક મોટી ઉંમરનો વ્યક્તિ સરગમ ગેસ્ટ હાઉસમાંથી બહાર આવી મહાદેવનગર તરફ જતો હોય ત્યારે આરોપીઓએ તેનો પીછો કરીને ઉભો રાખી પોતે પોલીસ હોવાની ઓળખ આપીને ઘરે જાણ કરી બદનામ કરવાની ધમકી આપી અને ગુનો દાખલ કરવાની વાત કરી કેસ ન કરવા માટે 25 હજાર રૂપિયાની માંગણી કરી હતી. અંતે તે વ્યક્તિને નજીકના ATM ખાતે લઈ જઈ 15 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે આરોપીઓની તપાસ કરતાં તેઓની વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.