અમદાવાદ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ અમદાવાદ જિલ્લામાં ચૂંટણી સંબંધિત કામગીરીની વિગતો આપતાં જણાવ્યું કે, આચારસંહિતાના ભંગ બદલ આઠ ફરિયાદો થઈ હતી, જેનો નિકાલ કરવામાં આવ્યો છે તથા સિ-વિજીલ એપ્લીકેશન મારફત 67 ફરિયાદો મળી છે, જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, લોકસભાની આ ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં ફુલ 16000 દિવ્યાંગો માટે જે તે વિસ્તારમાં 913 વ્હીલચેર અને 2500 સ્વયંસેવક ની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં 719 શતાયુ મતદાતાઓ છે. જેમને સાથે રાખી આગામી દિવસોમાં શતાયુ મતદાતા ઉજવણી કરવામાં આવશે.
કલેક્ટરે જણાવ્યું હતું કે, નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે તંત્ર સતત કાર્યરત છે. અત્યાર સુધીમાં 11,000 વાહનો ચેક કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં 1 કરોડ 55 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. 15,361 બોટલ સાથે શહેરી વિસ્તારમાં કુલ 45 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે તથા ગ્રામ્ય વિસ્તારમાં કુલ 73 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. શહેરભરમાંથી કુલ 17,000 બેનર, જાહેરાતો સરકારી મકાનો પરથી તથા 13,000 બેનર- જાહેરાતો ખાનગી માલિકીના મકાન પરથી હટાવવામાં આવ્યા છે.