પાલડીમાંથી 5 લાખના ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા અમદાવાદ : શહેરમાંથી ફરી એકવાર નશાના સામાનની હેરાફેરી ઝડપાઈ છે. શહેર સ્પેશ્યલ ઓપરેશન ક્રાઇમે પાલડી વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે બે યુવકોની ધરપકડ કરી છે. જે યુવકોમાંથી એક યુવક અગાઉ પણ લાખો રૂપિયાની કિંમતના ડ્રગ્સના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. SOG ક્રાઈમ બ્રાન્ચે 5 લાખ 13 હજારની કિંમતના 51 ગ્રામ 300 મિલિગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસ : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સનું વેચાણ સતત વધુ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ પણ નાનામાં નાના પેડલરોને દબોચી રહી છે, ત્યારે શહેરના પાલડી વિસ્તારમાંથી મોહમદ તોફિક ઉર્ફે લાલા શેખ અને મોહમંદ સુફિયાન સૈયદની એમ.ડી ડ્રગ્સના જથ્થા ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓ એમડી ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા. ઉપરાંત કોની પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :Ahmedabad Crime : 6 મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સની પોલીસે દુકાન કરી બંધ
આરોપીનો ઈતિહાસ : આ મામલે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓમાં મોહમ્મદ તોફિક ઉર્ફે લાલા શેખ અગાઉ ઓગસ્ટ 2022માં 29 લાખ 80 હજારની કિંમતના MD ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. જે ડ્રગ્સ તે મુંબઈના આદિલ નામના આરોપી પાસેથી લાવ્યો હતો. આ ગુનામાં ઝડપાયેલો મોહમ્મદ સુફિયાન સૈયદ વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં અગાઉ ઝડપાયો છે.
આ પણ વાંચો :Ahmedabad Crime : વટવામાં 22 લાખના ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, જેલમાં બંધ આરોપીઓએ સૂકવવા માટે આપેલું
પોલીસનું નિવેદન : આ અંગે SOG ક્રાઇમના ACP બી.સી સોલંકીએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે ડ્રગ્સ સાથે બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા સમય પહેલા પણ અમદાવાદના આસ્ટોડિયા દરવાજા તેમજ વટવામાંથી ક્રાઈમ બ્રાન્ચે મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારે ફરી એકવાર શહેરના પાલડી વિસ્તારમાંથી 51 ગ્રામ 300 મિલિગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ થતાં ચકચાર મચી ગઈ છે.