ઠક્કરનગરમાં એક હીરાના કારીગરની હત્યા કરવામાં આવી અમદાવાદ : શહેરમાં વધુ એક હત્યાનો બનાવો સામે આવ્યો છે. જેમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઠક્કરબાપાનગરમાં એક 45 વર્ષીય યુવકની હીરાના કારખાનામાં જ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો છે. પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો : આ સમગ્ર મામલે નિકોલમાં રહેતા સની ભાલીયા નામના 23 વર્ષીય યુવકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના પિતા હરેશભાઈ ભાલીયા છેલ્લા 15 વર્ષથી હીરાના ઘસવાના કારીગર તરીકે અલગ અલગ કારખાનામાં કામ કરતા હોય અને છેલ્લા 20 દિવસથી ઠક્કરનગર પાસે આવેલા વિહળ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે આવેલા ધર્મેશભાઈ સવજીભાઈ મોરડીયાના હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હતા.
માર મારવાનો ફોન આવ્યો : રવિવારના રોજ હરેશભાઈ ભાલીયા નિયત મુજબ પોતાના કારખાને ગયા હતા. જોકે સાંજે 5:00 વાગે તેઓના દીકરા સની ભાલિયા કૌટુંબિક મોટા બાપુનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેના પિતા વિહળ કોમ્પલેક્ષ ખાતે નોકરી કરતા હોય તે હીરાના કારખાનાના માલિક સાથે કોઈ કારણોસર ઝઘડો થતાં કારખાનાના માલિક અને મેનેજરે માર મારતા 108માં સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે અને સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.
હીરા બાબતે ઝગડો : ફરિયાદી સની ભાલીયા સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા અને ત્યાં તેઓએ પિતાના મૃતદેહને જોતા તેમાં શરીરે અલગ અલગ જગ્યા પર ઈજાઓ થયેલી હોવાનું ધ્યાને આવ્યું હતું. તે સમયે ત્યાં તેઓના પિતા સાથે કામ કરતા રણધીરસિંહ ચાવડા, તેજસ પ્રજાપતિ અને સુખેન્દ્ર પંચાલ ત્યાં હાજર હોય તેઓને પૂછતા જણાવ્યું હતું કે હરેશભાઈ ભાલીયા સવારે 9:30 વાગે હીરા ઘસવા માટે કારખાને આવ્યા હતા. મેનેજર મુકેશ વઘાસિયા દ્વારા તેઓને હીરાના પાંચ નંગ ઘસવા માટે આપ્યા હતા. તે પછી હરેશભાઈ નીચે ચા પીવા માટે જતા રહ્યા હતા. તેઓએ હીરા પરત જમા કરાવ્યા ન હોય જેના કારણે મુકેશ વઘાસિયાએ તેઓને કોલર પકડી બહારથી કારખાનાની અંદર લઈને આવ્યો હતો. હીરા બાબતે પૂછતાં ટેબલ પર મુકેલા હોવાનું જણાવતા ટેબલ પર મળી ન આવતા મુકેશ તેમજ વિજય ગજ્જર દ્વારા તેઓને ગડદા પાટુનો માર મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :Porbandar Crime : બુટલેગરના બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
લાકડીના ફટકા માર્યા : જે બાદ મેનેજર મુકેશે કારખાનાના શેઠ ધર્મેશ મોરડીયાને બોલાવતા આ સમગ્ર બાબતો જણાવી હતી. જે બાદ તમામ આરોપીએ ભેગા મળીને હરેશભાઈ ભાલીયાને શરીર પર આડેધડ લાકડીના ફટકા માર્યા હતા. તમામ લોકોએ ભેગા મળીને સવારે સાડા નવ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી મારતા ગંભીર ઈજાઓ કરી હતી.
આ પણ વાંચો :Ahmedabad Crime: આજે તો 108 માં તારો મૃતદેહ જશે, એમ કહીને આધેડની હત્યા કરી નાંખી
પોલીસે ગુનો દાખલ કર્યો : બપોરના 12 વાગે કારખાનામાં રજા પડી જતા તમામ કારીગરો કારખાને નીચે આવી ગયા હતા. મેનેજર મુકેશ તેમજ શેઠ ધર્મેશે કારખાનાને લોક મારીને હરેશભાઈને અંદર ગોંધી રાખ્યા હતા. જેથી તેઓએ ભેગા થઈને 108માં ફોન કરી હરેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઇ આવતા તેઓને ડોક્ટરે તપાસતા તેઓનું મૃત્યુ થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું હતું. અંતે આ સમગ્ર મામલે ફરિયાદી શનિ વાઘેલાએ પિતાની હત્યા કરવા મામલે મુકેશ વઘાસીયા, વિજય ગજ્જર અને ધર્મેશ મોરડીયા કુલ ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. આ મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની અટકાયત કરી ધરપકડ કરવા માટેની તજવીજ શરૂ કરી છે. આ અંગે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI એ.જે ચૌહાણ એ જણાવ્યું હતું કે, આ મામલે ગુનો દાખલ કરીને ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.