ધંધુકાઃ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયાના હોવાના રીપોર્ટ મળી રહ્યા છે. સુખ ભાદર નદી પર બાધેલો ભડલા ડેમ ઑવરફલો થતાં રવિવાર રાત્રિએ 12 દરવાજા ખોલી નાંખવામાં આવ્યા હતા, જેથી ધંધુકાના આસપાસના વિસ્તારોમાં અને ગામની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા.
અમદાવાદ ધંધુકા હાઈવે પર પાણી ભરાતા હાઇવે બંધ કરાયો - heavy rain
ગુજરાતમાં અતિભારે અને અવિરત વરસાદને કારણે ધંધુકા પાસેથી પસાર થતી સુખભાદર નદીમાં ઘોડાપુર આવ્યું છે અને સુખભાદર નદીનું પાણી ધંધુકા- ફેદરા હાઈવે પર ફરી વળ્યું છે. જેને પગલે સર્તકતાને ધ્યાને રાખીને અમદાવાદ ધંધુકા હાઈવે બંધ કરાયો છે. પાણીની આવક એટલી બધી છે કે, રોડ રસ્તા કે ડિવાઈડર કશુંય દેખાતું નથી.
સુખ ભાદર નદીમાં પાણીની આવક ચાલુ રહી છે અને સોમવારે વહેલી સવારે ઘોડાપુર આવતાં ધંધુકાની 7 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. સુખ ભાદર નદીમાં આવેલ પુરને કારણે અમદાવાદ- ધંધુકા, ફેદરા હાઈવે પાણીમાં ગરકાવ થયો હતો, જેથી અમદાવાદ ધંધુકા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે અને ધંધુકાથી લીંબડી જવાનો માર્ગ પણ બંધ થયો હતો.
ત્યારે સૌરાષ્ટ્ર તરફથી આવતાં તમામ વાહનોને ધંધુકા રોકી દેવામાં આવ્યા છે અને બીજી તરફ અમદાવાદથી ધંધુકા જતાં વાહનોને પણ અટકાવી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને ધંધુકા પોલીસ દ્વારા ધંધુકા સર્કલથી અમદાવાદ હાઈવે બંધ કરવામાં આવ્યો છે.