અમદાવાદ :એક સમય એવો હતો કે લોકોના ઘરમાં ચોર ઘૂસીને રોકડ રકમ દાગીના સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ જતા હતા, પરંતુ હવે ધીમે ધીમે ઘરમાં થતી ચોરીઓમાં ઘટાડો થયો છે. જોકે લોકોના બેંક ખાતામાંથી બારોબાર થતી ચોરી એટલે કે ઠગાઈમાં વધારો થયો છે. છેલ્લા પાંચ સાત વર્ષની વાત કરીએ તો અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવીને ગઠિયાઓ લોકોના બેન્ક એકાઉન્ટ સાફ કરવાની કામગીરી કરી રહ્યા છે, ત્યારે આજે અમે આપને સાયબર ગઠિયાઓથી કઈ રીતે બચી શકાય અને જો ઠગાઈનો ભોગ બન્યા હોય તો શું કરી શકાય તે અંગે માહિતગાર કરીશું.
ઇન્ટરનેટથી ચોરીનો મામલો વધ્યો : વર્ષ 2016માં ભારતમાં નોટબંધી લાદવામાં આવી, જેમાં 500 અને 1,000ની નોટોને બંધ કરવામાં આવી હતી. તે બાદથી ધીમે ધીમે UPI પેમેન્ટ અને ઓનલાઇન પેમેન્ટની આવશ્યકતાઓ વધીને તે બાબતનો ફાયદો ઉઠાવીને ગઠિયાઓએ કોઈના ઘરમાં ઘૂસીને ચોરી કરવાના બદલે કોઈ એક ચોક્કસ સ્થળે ઇન્ટરનેટ ધરાવતો મોબાઈલ કે તો લેપટોપ લઈને ઠગાઈ કરવાનું શરૂ કર્યું છે.
PAYTM KYC ના નામે ઠગાઈ :શરૂઆતમાં ગઠીયાઓ દ્વારા PAYTM KYCના નામે મેસેજ મોકલીને જે લોકો તેમાં ભોળવાઈને KYCના માટે સંપર્ક કરે તેની સાથે ઠગાઈ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ ધીમે ધીમે સમયની સાથે ગુનેગારોની મોડસ ઓપરેન્ડી બદલાઈ ગઈ.
OTP ફ્રોડ :ગઠીયાઓ દ્વારા અલગ અલગ કારણો આપીને વન ટાઈમ પાસવર્ડ OTP આપીને તે મેળવીને તેના થકી બેંક એકાઉન્ટ સાફ કરતા હતા. જે પણ અનેક ઘટનાઓ સામે આવી હતી.
OLX પર વસ્તુ ખરીદવા-વેચવાના નામે ઠગાઈ :થોડાક સમય બાદ સમયની સાથે અલગ અલગ વેબસાઈટના માધ્યમથી ઠગાઈ આચરવામાં આવતી હતી. જેમાં olx અથવા તો quicker જેવી વેબસાઈટ ઉપર ઘરનો સામાન વેચવાનો હોવાનું કહીને સામેવાળી વ્યક્તિને વસ્તુ ખરીદવી અથવા વેચવી હોય તો તેને પેમેન્ટ કરવા અથવા પેમેન્ટ મેળવવા માટે ક્યુ આર કોડ મોકલીને તેના બેન્ક એકાઉન્ટ સાફ કરી નાખવામાં આવતા હતા, તેમાં પણ ખાસ કરીને ગઠિયાઓ દ્વારા એક્સ આર્મીમેન તરીકેની ઓળખ આપીને લોકોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા. તે રીતે લાંબા ગાળા સુધી અનેક લોકોને છેતરપિંડીનો ભોગ બનાવવામાં આવ્યા છે.
આધારકાર્ડ અપડેટ અને KYC :આધારકાર્ડમાં મોબાઇલ લિંક કરાવવા જેવી અલગ અલગ બાબતોને ધ્યાને લઈને ગઠિયાઓ દ્વારા લોકો સાથે ઠગાઈ આચરવામાં આવતી હતી. સાથે જ લોભામણી લાલચો આપીને પણ લોકોને ઠગાઈનો શિકાર બનાવવામાં આવતા હતા.
ફિશિંગ વેબસાઈટ થકી ઠગાઈ :ફિશિંગ વેબસાઈટ થકી છેતરપિંડી આચરવામાં આવતી હોવાની અનેક ઘટનાઓ અને ફરિયાદો સાયબર ક્રાઈમ પાસે હજુ પણ મળતી હોય છે. જેમાં ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ કોઈપણ વસ્તુની ખરીદી માટે ગૂગલ પર જઈને કોઈ વેબસાઈટ સર્ચ કરે તો તેને ઓરીજનલ વેબસાઈટ જેવી જ વેબસાઈટ મળતી હોય છે. તેમાં સર્ચ કરતા પ્રોડક્ટ્સ પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય તેવું જણાવીને ખેતરપિંડી આચરવામાં આવતી હોય છે. તેમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ વસ્તુ મંગાવે ત્યારે તે વસ્તુ મળવાની બદલે તેમાં ખાલી કાગડો અથવા તો પથ્થરો આવતા હોવાનું પણ સામે આવ્યું હતું.
ન્યૂડ કોલ થકી ઠગાઈ :ધીમે ધીમે સાયબર ગઠિયાઓની મોડસ ઓપરેન્ડી બદલાતી ગઈ અને તેઓ દ્વારા કોઈપણ વ્યક્તિને વોટ્સએપ પર વીડિયો કોલ કરીને વિડીયો કોલ દરમિયાન સામેવાળી યુવતી પોતાના કપડા ઉતારતી હોય અને ભોગ બનનારને પણ પોતાના કપડા ઉતારવાનું કહીને તે વીડિયો કેપ્ચર કરીને બ્લેકમેલ કરીને પૈસા પડાવવામાં આવતા આવવાની ઘટનાઓ સામે આવી હતી.
ફેક પ્રોફાઈલ બનાવી ઠગાઈ :સોશિયલ મીડિયા જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને twitter પર ઘણીવાર ઘટનાઓ દ્વારા કોઈપણ વ્યક્તિની ફેક પ્રોફાઇલ બનાવીને તે પ્રોફાઈલ થકી લોકો પાસેથી ઉછીના પૈસા માંગીને ઠગાઈ આચરવામાં આવતી હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. જેમાં અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ ફેક પ્રોફાઈલ બની હોય અને તેના દ્વારા મિત્રો પાસેથી પૈસા પડાવવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું.