અમદાવાદઃશહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવ્યા હતા. અહીં મેચ જોવા આવનારા લોકોને ખાલિસ્તાની આતંકીના નામે ધમકીભર્યા મેસેજ મોકલવા બદલ સાઈબર ક્રાઈમે મધ્યપ્રદેશથી 2 આરોપીની ધરપકડ કરી હતી. આમાંથી એક આરોપી રાહુલ દ્વિવેદીની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. કારણ કે, આ કેસમાં દુબઈ કનેક્શન ખૂલ્યું છે.
આ પણ વાંચોઃAhmedabad Crime : ક્રિકેટ નિહાળવા જતા લોકોને આતંકીઓએ આપી ધમકી, પોલીસે તપાસનો કર્યો ધમધમાટ
આરોપી દુબઈમાં શીખ્યો ટેકનોલોજીઃસાઈબર ક્રાઈમે આ મામલે આરોપી રાહુલ કુમાર દ્વિવેદી અને નરેદ્ર કુશવાહ નામના શખ્સોની મધ્યપ્રદેશના સતનાથી ધરપકડ કરી હતી. બંને શખ્સો પાસેથી સાઈબર ક્રાઈમે 180 જેટલા સીમ કાર્ડ, 5 રાઉટર અને 11 સીમ બોક્સ સહિત 6 જેટલા મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. તો આ મામલે પકડાયેલા આરોપીઓમાંથી એક રાહુલ દ્વિવેદી વર્ષ 2021માં દુબઈ ખાતે વર્ક પરમીટ પર જઈને આ ટેક્નોલોજી શીખીને આવ્યો હોવાની તેણે કબૂલાત કરી છે. 24 માર્ચ 2021ના રોજ તે પહેલી વાર દુબઈ ગયો હતો અને ત્યાં ઇલેક્ટ્રિકનું કામ કરતો હતો, જેમાં દર મહિને 750 દિરહમ અને 300 દિરહમ જમવાના મળતા હતા.
આરોપી દુબઈમાં કમ્યુનિકેશન સિસ્ટમ પણ શીખ્યોઃઆરોપી રાહુલ દ્વિવેદી 35 દિવસ દુબઈમાં રોકાઈને ભારત પરત ફર્યો હતો. ને થોડા સમય બાદ ફરી દુબઈ ગયો હતો અને ઈન્ટરનેશનલ કૉલિંગ કરવા માટેની કમ્યુનિકેશન સિસ્ટમ વિશેની માહિતી વિવિધ વિદેશી લોકો દ્વારા જાણી હતી. સાથે જ ઈન્ટરનેશનલ વૉઈપ કૉલને ડોમેસ્ટિક વૉઇપ કૉલમાં કેવી રીતે કન્વર્ટ કરવા તેમ જ ઈન્ટરનેશનલ કૉલ કરવા માટેના ડમી ટેલિકોમ એક્સચેન્જ કેવી રીતે કામ કરે છે તે તમામ બાબતો શીખી હતી.
વિદેશી નાગરિકોના આતંકી સંગઠનો સાથેના સંબંધ અંગે તપાસ શરૂઃત્યારબાદ આરોપી રાહુલ દ્વિવેદીને આ કામ સારું લાગતા તેણે પોતે કમિશન ઉપર ઈન્ટરનેશનલ કૉલિંગ માટેની મિનીટ્સ વેચવાનો વ્યવસાય વિદેશી નાગરિકો સાથે મળીને શરૂ કર્યો હતો. રાહુલ દ્વિવેદી ત્રણ આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહીને આ પ્રકારના કામના જાણકાર રહેતા લોકોની માહિતી મેળવતો હતો. તેણે વિદેશમાં રહીને કમ્યુનિકેશન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. તે બાબતોનું જ્ઞાન મેળવ્યું હતું. ત્યારે તેની સાથેના વિદેશી નાગરિકો આતંકી સંગઠનો સાથે સંબંધ ધરાવતા હતા કે, કેમ તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. આરોપી રાહુલ દ્વિવેદીની તપાસમાં સામે આવ્યું હતું કે, મુંબઈના એક યુવક પાસેથી તેણે આ સિમબોક્સ ખરીદ્યા હતા. ત્યારે આ મામલે સાઈબર ક્રાઈમે અન્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ કરી છે.
ક્રાઈમબ્રાન્ચે જાણવાજોગ દાખલ કરી હતીઃઆપને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ મેચ જોવા માટે જઈ રહેલા લોકોને ખાલિસ્તાની આતંકીઓએ 'ઘરમાં રહો, સુરક્ષિત રહો'ના પ્રિરેકોર્ડેડ મેસેજ કરીને ધમકીઓ આપી હોવાની બાબત સામે આવી હતી. આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચે પ્રિરેકોર્ડેડ મેસેજ ટ્રેસ કરીને જાણવાજોગ દાખલ કરી હતી.
સોશિયલ મીડિયાની મદદથી વાઈરલ કરાયો હતો ધમકીભર્યો મેસેજઃઅમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરૂપતવંત સિંહ પન્નુના અવાજમાં આ મેસેજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અનેક ઉચ્ચારણો કરીને ગુજરાતના લોકોને ઘરમાં રહો, સુરક્ષિત રહો તે પ્રકારે અંગ્રેજીમાં મેસેજ કરવામાં આવ્યો હતો. આ મેસેજ રાજ્યના અલગ અલગ જિલ્લાના લોકોને ફોન કરીને સંભળાવવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચે આ મેસેજને ટ્રેસ કરીને તપાસ શરૂ કરી હતી. આ મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વાયરલ કરવામાં આવ્યો હતો.