અમદાવાદ : અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ડ્રગ્સ સપ્લાયર ઝડપી પાડ્યો છે. હાલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અલગ અલગ હોટલમાં વિધર્મી યુવકોને પકડવાની કામગીરી કરવાનો પ્રયાસ કરી રહી છે. તેવામાં બુધવારે વિશ્વ હિન્દુ પરિષદ નેતાને બાતમી મળી હતી કે એક યુવતી સાથે વિધર્મી યુવક નહેરુનગરની હોટલમાં આવ્યો છે. જેથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સંયુક્ત રીતે હોટલમાં તપાસ કરવા પહોંચતાં યુવતી અને યુવક નાસી ગયા હતાં. જોકે યુવક તેનો મોબાઈલ ભૂલી જતા તે મોબાઈલ પર એક શખ્સનો ફોન આવ્યો અને તે શખ્સને પકડી તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે. જેથી આ અંગે એલીસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનામાં શામેલ એક યુવકને ડ્રગ્સ સાથે ઝડપી તપાસ શરૂ કરી છે.
મને માહિતી મળતાં અમે હોટલમાં પહોંચ્યા હતા જ્યાં યુવક અને યુવતી મળી આવ્યાં હતાં. જોકે યુવતી અમારી સાથે બોલાચાલી કરતી હતી અને જે બાદ યુવક અને યુવતી બંને ફરાર થઈ ગયાં હતાં. અમે યુવકના ફોનના આધારે આ ડ્રગ્સ સાથે યુવકને પકડી લીધો હતો..હિતેન્દ્રસિંહ રાજપૂત(વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા)
ટ્રેપ ગોઠવીને પકડી પાડ્યો : વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતને કોઇ વ્યક્તિએ ફોન કરી વિધર્મી યુવક યુવતીને લઈને નહેરુનગરની હોટલમાં આવી રહ્યો હોવાનું જણાવતા તેઓ બજરંગ દળના કાર્યકરો સાથે હોટલમાં પહોંચ્યા હતાં. જ્યાં એક યુવતી નશાની હાલતમાં મળી આવી હતી. તે યુવતી અને તેની સાથેનો યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે ભાગી ગયેલા યુવકનો ફોન બજરંગ દળના કાર્યકરના હાથમાં આવી ગયો હતો. જે ફોન પર થોડી જ વારમાં એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરી માલ લેવા આવ્યા છીએ તેમ જણાવ્યું હતું. જેથી તે પાલડી પાસે આવતા તેને ટ્રેપ ગોઠવીને પકડી પાડ્યો હતો.