અમદાવાદ:પોલીસની ખોટી ઓળખ આપીને પૈસા પડાવનાર શખ્સોનો રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક ઘટના સામે આવી રહી છે. હાલમાં જ મણિનગરમાં નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં ઓઢવમાં નકલી પોલીસ બની યુવક સાથે લૂંટ કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ એક યુવકને માર મારી ચપ્પુ બતાવી 8 હજારની લૂંટ કરી હતી.
"તારા પર કેસ થયો છે":ઓઢવ વિસ્તારમાં રહેતા રાનુસિંહ રાઠોડ નામના 20 વર્ષીય યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તે 9મી જૂનના રોજ કામથી વેપારી મહામંડળ ગયો હતો. સવારે 10:30 વાગ્યા આસપાસ વેપારી મંડળના ગેટ નંબર એકથી ઘરે જવા માટે રિક્ષામાં બેસ્યો હતો. તે રિક્ષામાં તે SP રિંગ રોડ તરફ પહોંચતા એક એક્સેસ ઉપર બે શખ્સો આવ્યા હતા અને રીક્ષા ઉભી રખાવી હતી. પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને "હું પોલીસમાં છું અને તારા પર કેસ થયો છે, માટે તારે પોલીસ સ્ટેશન આવવું પડશે" તેમ કહી તેઓ રિક્ષામાં બેસી ગયા હતા.
પ્રશ્નો પૂછતા આરોપીઓ ઉશ્કેરાયા:જે બાદ આરોપીઓએ રીક્ષા શરણીયા વાસ ચાર રસ્તા પાસે લેવડાવી હતી. ત્યાંથી સરદાર એસ્ટેટ સામે પહોંચતા રિક્ષામાં બેઠેલા એક આરોપીએ રીક્ષા ઉભી રખાવી યુવક પાસે પૈસાની માંગણી કરી હતી. યુવકે પોતે શું ગુનો કર્યો છે, તમે પોલીસ વાળા છો, રૂપિયા કેમ માંગો છો તેવું કહેતા બંને આરોપીઓ ઉશ્કેરાયા અને તેને માર માર્યો હતો.
ઓઢવમાં નકલી પોલીસ બની લૂંટ કરવાનો ગુનો નોંધાયો હતો. જે મામલે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.--- જે.એસ કંડોરિયા (PI,ઓઢવ પોલીસ સ્ટેશન)
ચપ્પુ બતાવી લૂંટ ચલાવી:ત્યારબાદ રીક્ષા ચાલકે પણ તેનો વિરોધ કરતા આરોપીઓએ ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ 8000 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે બાદ આ સમગ્ર બાબતે ઓઢવ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
આરોપીઓ ઝડપાયા:આ ઘટનાની જાણ થતા ઓઢવ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી ગુનામાં સામેલ બંને યુવકને પકડી પાડ્યા છે. જે આરોપીઓમાં રખિયાલનો મહંમદ શાહરુક અન્સારી તેમજ વટવાના યાકુબ શેખ નામના બે યુવકોની ઓળખ થઈ છે. લૂંટના રોકડ 8000, ચપ્પુ અને વાહન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ:ગુનામાં ઝડપાયેલો મોહમ્મદ શાહરુક અગાઉ રખિયાલ પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ બનીને પૈસા પડાવવાના કે લૂંટના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. તે મણિનગરમાં પણ પકડાયો હોવાની હકીકત તપાસમાં સામે આવી છે. ત્યારે આ સમગ્ર મામલે આ આરોપીઓએ અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે દિશામાં તેઓની વધુ પુછપરછ કરવામાં આવી છે.
- દૂધની ચોરી અને લૂંટ કરતા શખ્સો ઝડપાયા; 45થી વધુ ચોરીને આપ્યો અંજામ
- Ahmedabad Crime : સરદારનગરમાં જૂની તકરારમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો, 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત