અમદાવાદ : મામલામાં મળતી સત્તાવાર યાદીમાં જણાવાયા અનુસાર રાજ્ય જીએસટી વિભાગની કાર્યવાહીમાં રાજકોટના દેવાંગ હરીશભાઇ નથવાણી દ્વારા 8.77 કરોડની કરચોરી મળી આવી હતી. જે મામલે દેવાંગ નથવાણીની ધરપકડ કરવામાં આવી છે.
21 જુલાઇએ દરોડા પાડ્યાં હતાં : રાજ્ય જીએસટી ટીમ દ્વારા 21 જુલાઇએ રાજકોટના મેસર્સ ઇગલ માર્કેટિંગ નામની ઓફિસ અને અમદાવાદના અસલાલીમાં આવેલા ગોડાઉનના સ્થળે દરોડા પાડવામાં આવ્યાં હતાં. સ્થળ તપાસની કાર્યવાહી દરમિયાન વેપારી એકમના માલિક દેવાંગ હરીશભાઇ નથવાણીની આ પેઢી ધરાવે છે. જે ફુડ કેમીકલના વેચાણો સાથે સંકળાયેલી છે. આ ઉત્પાદનો પર માલ અને સેવા કર - જીએસટીની 18 ટકા લેખે વેરો ચૂકવવાનો થતો હતો.
બિનહિસાબી વેચાણો કર્યાં : રાજ્ય જીએસટી ટીમની સ્થળ પર તપાસની કાર્યવાહી દરમ્યાન ડિજિટલ ડીવાઇસીસ અને હિસાબી સાહિત્યની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ સમયે ટીમના ધ્યાને ચડ્યું હતું કે આ પેઢી દ્વારા મોટાપાયે વેચાણોના ઇનવોઇસ ઇશ્યુ કર્યા વિના માલના બિનહિસાબી વેચાણો કરવામાં આવેલા છે. આ ઉપરાંત વાસ્તિવક સેવા પૂરી પાડ્યા વિના ખોટા સર્વિસ સપ્લાયના બિલો ઇશ્યુ કરી અન્યને કરોડોની વેરાશાખ પાસઓન કરવામાં આવેલી છે.
8.77 કરોડની કરચોરી કરી : આ તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે મેસર્સ ઇગલ માર્કેટિંગની મહારાષ્ટ્ર ખાતેની બ્રાન્ચ પાસેથી પણ માલની વાસ્તિવક રવાનગી કર્યા સિવાય ફકત બિલો મેળવી આવા ખોટા બિલો ચોપડે નોંધી ખોટી વેરા શાખ લઇ લીધી છે. આમ, મેસર્સ ઇગલ માર્કેટિંગના કર્તાહર્તા દેવાંગ હરીશભાઇ નથવાણીએ કરચોરીની વિવિધ મોડસ ઓપરેન્ડીથી કરી કુલ 48.75 કરોડના વ્યવહારો કરી 8.77 કરોડની કરચોરી કરી હોવાનું ખુલ્યું હતું.
ધરપકડ અને મિલકત પર ટાંચ : સમગ્ર મામલામાં તપાસ બાદ ગુજરાત ગુડ્સ એન્ડ સર્વસીઝ ટેક્સની કલમ-132(1)ની વિવિધ જોગવાઇઓ મુજબ ગુનો બનતો હોઇ 10 ઓગસ્ટ 2023ના રોજ દેવાંગ હરીશભાઇ નથવાણીની ઘડપકડ કરવામાં આવી છે. આ વેપારીને અમદાવાદ એડીશનલ ચીફ મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં અને સાત દિવસના રીમાન્ડની માગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટ દ્વારા 14 ઓગસ્ટ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. આ સાથે તેમની પાસેથી લેણાં નીકળતા સરકારી વેરાની સલામતી માટે બેંક ખાતા ઉપર અને સ્થાવર મિલકતો ઉપર કામચલાઉ ટાંચ પણ મૂકવામાં આવેલ છે. સાથે વધુ ચકાસણીની કાર્યવાહી પણ થઇ રહી છે.
22 ફોરેન કન્સલટન્સી પણ વરુણીમાં : રાજ્ય જીએસટી વિભાગના ઇમીગ્રેશન સેવા સાથે સંકળાયેલી પેઢીઓ ખાતે દરોડામાં કુલ 53 સ્થળોએ દરોડાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. વિભાગ દ્વારા રાજ્યભરમાં આવી ઇમીગ્રેશન અને ફોરેન યુનિવર્સિટીમાં એડમીશન અપાવવાની સેવા સાથે સંકળાયેલી કુલ 22 પેઢીઓના 53 જેટલા સ્થળોએ રાજયભરમાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પૂરી રકમની રિસીપ્ટ નથી અપાતી : સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા માર્કેટ ઇન્ટેલિજન્સ તથા સીસ્ટમ બેઝડ એનાલિસીસના આધારે સંશોધનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આવી કાર્યવાહીના ભાગરૂપે વિભાગને ધ્યાને આવેલ કે ઇમીગ્રેશન જેવી સેવા સાથે સંકળાયેલી પેઢીઓ દ્વારા ફોરેન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમીશન અપાવવામાં આવે છે તેમજ ILTS જેવી પરીક્ષાઓ માટે કોચીંગ પણ આપવામાં આવતું હોય છે. જેના પેટે આવી સેવા આપનાર પેઢીઓ વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસૂલતી હોય છે. પરંતુ વસૂલવામાં આવેલ પૂરી રકમની રિસીપ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી. આવી પેઢીઓને ફોરેન યુનિવર્સિટીઓ દ્વારા મોટી રકમનું કમિશન પણ મળતું હોય છે. ત્યારે રોકડમાં મેળવેલી આવકો ચોપડે ન દર્શાવી વેરો ભરવાનું ટાળવામાં આવતુ હોય છે. જિલ્લાવાર તપાસ હેઠળના સ્થળોની વિગત જોઇએ તો અમદાવાદમાં 16, મહેસાણામાં 2, વડોદરામાં 24, સુરતમાં 6 અને રાજકોટમાં 5 એકમ સામે દરોડા કાર્યવાહી કરવામાં આવી છે.
બિનહિસાબી રોકડના વ્યવહારો પકડાવાની સંભાવના : ઇમીગ્રેશનને લગતી સેવાઓ તથા મળેલ ટોટલ રિસીપ્ટના હિસાબી વ્યવહારો ઉપર વેરાકીય જવાબદારી કાયદાની જોગવાઇ મુજબ અદા કરવામાં આવે છે કે કેમ તે અંગે હિસાબી સાહિત્યની ચકાસણીની કાર્યવાહી હજુ ચાલી રહી છે. જોકે પ્રાથમિક ચકાસણીમાં બિનહિસાબી રોકડના વ્યવહારોની વિગતો જણાઇ આવેલી છે.
- કમિશનની લાલચે કૌભાંડ ઊંઝા એપીએમસીના નકલી લાયસન્સથી 600 કરોડની કરચોરી આચરી
- Surat Crime : અત્તરના ફેરિયા પાસેથી ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ખોલી, કરોડોની જીએસટી ચોરી નોટિસથી ખુલ્યું આર્થિક કૌભાંડ
- સુરત GST હેઠળ 25થી વધુ જેટલી પેઢીઓના સ્થળો પર દરોડા