14 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમબ્રાંચે દબોચ્યો અમદાવાદ :અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેની સફળ કામગીરી માટે ઓળખાય છે. ત્યારે હાલમાં ક્રાઈમબ્રાંચની ટીમ દ્વારા છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી બેચરાજી પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે. ઉલ્લેખનિય છે કે, આરોપી વિરુદ્ધ લૂંટ અને ધાડના ગુના નોંધાયા છે.
આરોપી પર ઇનામ :અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ઘણા વર્ષોથી વોન્ટેડ ઇનામી આરોપીઓ પકડી પાડવા પ્રયત્નશીલ હતી. ગતરોજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન છેલ્લા 14 વર્ષથી વોન્ટેડ આરોપી અંગે બાતમી મળી હતી. આ આરોપી પર રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 10 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
14 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો : બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે જશોદાનગર AMTS બસ સ્ટેન્ડ પાસેથી આરોપી 43 વર્ષીય મનીન્દરસિંગ દેવેન્દ્રસિંગ કપૂર ઉર્ફે મહેન્દ્ર ઉર્ફે ચુમ્બડને ઝડપી પાડ્યો હતો. આરોપી ચાંદલોડીયા વિસ્તારના ભરવાડવાસમાં રહેતો હતો. આ આરોપીને પકડવા બદલ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 10 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
શું હતો મામલો ? પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે, વર્ષ 2009માં આરોપી પોતાના મિત્ર શીતલ સહિત દસથી બાર માણસો સાથે ઘાતક હથિયાર લઈ બેચરાજી એસટી ડેપોમાં વહેલી સવારના સમયે ડીઝલની લૂંટ કરવા ગયો હતો. ત્યારે ડેપોમાં કામ કરતા કર્મચારીઓ જાગી જતા આરોપીઓએ તલવાર અને ધારીયા બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી એસટી બસોમાંથી ડીઝલ ચોરી નાસી ગયા હતા. આ અંગે બેચરાજી પોલીસ સ્ટેશનમાં ધાડનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં બીજા આરોપીઓ પકડાઈ ગયા હતા. જ્યારે આરોપી મનીન્દરસિંગ વોન્ટેડ હતો.
ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી :ઉલ્લેખનિય છે કે, આરોપી વિરુદ્ધ બેચરાજી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 395,397 અને 412 તથા BP એકટ કલમ 135 (1) હેઠળ ધાડ અને લૂંટ જેવા ગુના નોંધાયેલા હતા. આરોપી છેલ્લા 14 વર્ષથી આ ગુનામાં નાસતો ફરતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપીને બેચરાજી પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી હતી. આરોપી વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલ છે.
- Ahmedabad Crime : પેરોલ પર ફરાર હત્યારો ઝડપાયો, અમદાવાદ ક્રાઈમબ્રાંચની ઉત્કૃષ્ટ કામગીરી
- Human trafficking : માનવતસ્કરીનો મહાપ્લાન ખોલશે ગુજરાત CID ક્રાઇમ, જુઓ અમેરિકામાં ઘૂસણખોરીનો રુટ