અન્ય ગુનાઓ અને મોડસ ઓપરેન્ડીની તપાસ થશે અમદાવાદ : અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ યોજેલા મેગા ઓપરેશનમાં પકડાયેલા આરોપીઓ દ્વારા ન માત્ર એક પ્રકારે પરંતુ અલગ અલગ મોડસ ઓપરેન્ડી થકી ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોના લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં સેક્સટોર્શન થકી પૈસા પડાવવા, આર્મીમેન તરીકે ઓળખ આપીને છેતરપિંડી આચરવી તેમજ નોકરી આપવાના નામે કરવામાં આવતી છેતરપિંડી એવા અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
મેગા સર્ચ ઓપરેશન : સેક્સટોર્શન થકી લોકોને પોતાની જાળમાં ફસાવીને પૈસા પડાવવામાં આવતા હોવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઇ છે તેવામાં અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ એ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સાથે એક ટીમ બનાવીને અલગ અલગ ગામોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે ટીમમાં 3 PI, 6 PSI અને 40 થી 45 જેટલો પોલીસનો સ્ટાફ સંયુક્ત રીતે તપાસમાં જોડાયો હતો.
લોકેશનની માહિતી મળી : સાયબર ક્રાઇમ ને માહિતી મળી હતી કે આ પ્રકારના ગુનો આચરતી ગેંગ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના મેવાત તેમજ હરિયાણાના મેવાત વિસ્તારમાં જુદા જુદા ગામોમાં હોઈ શકે છે. જે બાતમીના આધારે સાયબર ક્રાઇમે એસઓજી સાથે બનાવેલી ટીમમાં ભરતપુર તેમજ હરિયાણાના મેવાતમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી એક અઠવાડિયા સુધી જુદા જુદા પહેરવેશ ધારણ કરીને ત્યાં રોકાઈ હતી.જેમાં આરોપીઓને પકડવામાં સફળતા મળતાં આ પ્રકારના ગુનામાં સામેલ અલગ અલગ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સાયબર ક્રાઇમે સેક્સટોર્શન થકી અમદાવાદના સિનિયર સિટીઝન સાથે 2 કરોડ 69 લાખથી વધુ રકમની છેતરપિંડી આચરનાર આરોપીની પણ ધરપકડ કરી છે.
આ પણ વાંચો Sextortion In Valsad: સેક્સટોર્શનનો ભોગ બનેલા લોકોને ફરિયાદ નોંધાવવા વલસાડ DSPની અપીલ
ન્યૂડ વિડીયો કોલિંગ : સિનિયર સિટીઝન ફરિયાદીને વ્હોટ્સએપમાં મેસેજ અને વીડિયો કોલ કરી તેઓને ન્યૂડ વીડિયો ક્લિપ બતાવી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી તે રેકોર્ડિંગ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપી તે વીડિયો ક્લિપના આધારે રિયા શર્મા નામની છોકરીએ સુસાઇડ કર્યું છે અને તેના કુટુંબીજનો ફરિયાદ કરવા માંગે છે, તેવો ડર બતાવીને જુદા જુદા પોલીસ અધિકારીઓ તેમજ CBIના સ્પેશિયલ ઓફિસરના નામે ફોન કરી પતાવટના નામે તેમજ તેઓનો વિડિયો ડીલીટ કરવાના બહાને 2 કરોડ 69 લાખ 32 હજાર રૂપિયા આરોપીઓએ મેળવ્યા હતા. જે કેસમાં સાયબર ક્રાઇમે રાજસ્થાનના ભરતપુરમાં આવેલા ચંદુપુરા ગામમાંથી તાહીરખાન શરાબ ખાન નામના 48 વર્ષીય આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરની ધરપકડ કરી છે.
આર્મીમેનની ઓળખ આપી છેતરપિંડી : વધુમાં સાયબર ક્રાઇમે તપાસ કરતા હરિયાણાના મેવાત જિલ્લાના ગામમાંથી ઈર્શાદ ખાન નામના 28 વર્ષીય એક યુવકની ધરપકડ કરી છે. જે આરોપી પોતે આર્મીમેન તરીકેની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ફરિયાદીને જુદા જુદા નંબર ઉપરથી ફોન કરીને પોતે અમદાવાદ આર્મી કેમ્પમાંથી બોલતો હોવાનો જણાવી આર્મી કેમ્પમાં એરકોમ્પ્રેસર ખરીદ કરવાના બહાને ફરિયાદીનો વિશ્વાસ કેળવી આર્મીના નિયમ મુજબ બિલ ફાઈનલ કરતા પહેલા ક્રેડિટ એડવાન્સ પેમેન્ટ આપવાના બહાને એડવાન્સમાં 6 લાખ 59 હજાર 962 રૂપિયા ભરવડાવી છેતરપિંડી આચરી હતી.
નોકરીના નામે છેતરપિંડી :સાયબર ક્રાઇમ અને એસઓજી ક્રાઈમની અલગ અલગ ટીમો ભરતપુરમાં વધુ તપાસ કરી રહી હતી, તે દરમિયાન નોકરીના નામે છેતરપિંડી કરવાના ગુનામાં સામેલ બે વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં ભરતપુરના ગઢી મેવાત ખાતેથી સાયબર ક્રાઇમે સરફુ પહટ નામના 46 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. જે આરોપીએ અમદાવાદ શહેરના નિકોલમાં રહેતા ફરિયાદીને ફેસબુક ઉપર નટરાજ કંપનીની પેન્સિલનું પેકિંગનું કામ ઘરે બેઠા એટલે કે વર્ક ફોર્મ હોમ કરવાની લાલચ આપી સંપર્ક. સાધી અલગ અલગ પ્રકારની ફી ભરાવીને 9 હજારથી વધુ રકમ મેળવીને છેતરપિંડી આચરી હતી. જે આરોપીની પણ સાઇબર ક્રાઇમએ ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Ahmedabad Cyber Crime : યુવતીઓના ફેક આઈડી બનાવી કપટ કરી ન્યૂડ ફોટા વાઇરલ કરતા આરોપી ઝડપાયા
મુદ્દામાલ કબજે કર્યાં : આ સમગ્ર મામલે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ એ આરોપીઓ પાસેથી ગુનામાં વાપરવામાં આવતા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે સેક્સટોર્શનના નામે અઢી કરોડ રૂપિયાથી વધુ રકમની છેતરપિંડી કરનાર આરોપી પાસેથી ગુનામાં પડાવી લેવામાં આવેલા રૂપિયામાંથી કોઈપણ પ્રકારની રકમ રિકવર કરવામાં નથી આવી. તેવામાં આગામી દિવસોમાં સાયબર ક્રાઇમ દ્વારા તે રકમને લઈને પણ આરોપીની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવશે અને તેણે જે પણ લોકોને છેતરપિંડીની રકમ આપી હશે એની પાસેથી તમામ રકમ રિકવર કરવામાં આવશે.
અન્ય રાજ્યમાં પણ આચર્યા આવા ગુના : આ મામલે અલગ અલગ જગ્યાઓ પરથી પકડાયેલા આરોપીઓની તપાસ કરતાં પ્રાથમિક તપાસમા તેઓએ ગુજરાત સિવાય અલગ અલગ રાજ્યોમાં પણ અનેક લોકો સાથે આ પ્રકારે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની હકીકત સામે આવી છે. તેવામાં હવે સાયબર ક્રાઇમ દ્વારા પકડાયેલી ગેંગની વધુ પૂછપરછ કરવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વધુ તપાસ હાથ ધરવામાં આવી : રિમાન્ડ દરમિયાન અન્ય ગુનાઓ અને મોડસ ઓપરેન્ડી અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે. જોકે હાલ તો કહી શકાય કે સાયબર છેતરપિંડી કરતી ગેંગ ઝડપી સાયબર ક્રાઇમ એ મોટી સફળતા હાંસલ કરી છે. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમના ACP જે. એમ યાદવે જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ અને એસઓજી ક્રાઇમએ અલગ અલગ ટીમો બનાવીને રાજસ્થાન અને હરિયાણામાં સતત સાત દિવસ સુધી મેગા સર્ચ ચોપરેશન હાથ ધરી અલગ અલગ પ્રકારે ફ્રોડ કરતી અલગ અલગ ગેંગ પકડી પાડી છે અને હાલ આરોપીઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.