અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના બાતમી મળી હતી કે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 મે, 2023 ના રોજ કાંકરીયા તળાવ પાસે આવેલ અણુવ્રત સર્કલ ખાતે થયેલ લૂંટમાં સંડોવાયેલ આરોપીઓ મોટરસાયકલ લઈને નારોલ સર્કલ પાસેથી પસાર થવાના છે. જે માહિતીના આધારે નારોલ સર્કલ પાસેથી મહારાષ્ટ્રના નૂર અબ્બાસ સૈયદ, મોહમ્મદ ગુલામ હુસેન જાફરી અને સરતાજ હુસેન શેખ નામના આરોપીઓની ધરપકડ કરી છે.
Ahmedabad Crime News: ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી લાખોના દાગીના લૂંટતી ઈરાની ગેંગ ઝડપાઈ - Ahmedabad Crime News
ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મી તરીકેની ઓળખ આપીને સોનાના દાગીનાની લૂંટ કરનાર ઈરાની ગેંગના ત્રણ સાગરીતોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા રસ્તે જતા લોકોને ટાર્ગેટ કરીને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી વાહન ચેકિંગના બહાને આ પ્રકારે લૂંટને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે.
8.07 લાખનો મુદ્દામાલ કબજે:આરોપીઓ પાસેથી સોનાના 7 લાખ 55 હજારની કિંમતના દાગીના, મોટરસાયકલ, બે મોબાઈલ ફોન મળીને 8 લાખ 7 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓની તપાસ કરતા આશરે બે મહિના પહેલા તેઓ તેમજ વોન્ટેડ આરોપી અફસર સૈયદ મહારાષ્ટ્રથી અલગ અલગ બે મોટરસાયકલ લઈને અમદાવાદમાં શાહ આલમ દરગાહમાં દર્શન માટે આવ્યા હતા. દર્શન કરીને સાંજના 5:30 વાગ્યાના અરસામાં કાંકરિયા અણુવ્રત સર્કલ પાસે જાહેર રોડ ઉપર એક વ્યક્તિ મોટરસાયકલ પર થેલો લઈને પસાર થતો હોય તેની પાસે થેલો હોવાથી આરોપીઓએ તેને ઊભો રાખી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ તરીકેની પોતાની ઓળખ આપી હતી. જે બાદ વાહન ચેકિંગના બહાને તેનો થેલો ચેક કરતા તે થેલામાં સોનાના દાગીના હોવાનું ધ્યાને આવતા તે દાગીનાનું બિલ માંગતા તે વ્યક્તિએ તેના શેઠને ફોન કરવા જતા આરોપીઓએ વ્યક્તિ પાસે રહેલ સોનાના દાગીનાનો થયેલો ખેંચી લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા.
ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી:આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે ઝડપાયેલા આરોપીઓ પૈકી સરતાજ હુસેન અગાઉ નારણપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017 માં લૂંટના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ તેઓની ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને રસ્તે જતા નાગરિકોને વાહન ચેકિંગના બહાને રોકી તેઓની પાસે રહેલા કીમતી સામાન્ય ચેક કરવાના બહાને તેની લૂંટ કરતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના PI બી.એસ સુથારે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ આરોપીઓએ જે તે સમયે ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી આ દાગીનાની લૂંટ કરી હતી, હાલ ઝડપાયેલા આરોપીઓને કાગડાપીઠ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.