અમદાવાદ:અમદાવાદનાં પૂર્વમાં આવેલા સરદારનગર વિસ્તારમાં કુબેરનગરમાં પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે કુબેરનગર વિસ્તારમાં મોબાઈલ રિપેરીંગની દુકાન ધરાવતા નારાયણ શખારામ શર્મા નામનાં 35 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. જેના પાસે એક બે નહીં પરંતુ 68 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા છે, જે ફોનના બીલ કે અન્ય કોઈ પુરાવાઓ આરોપી પાસે ન હોવાથી આ મામલે તપાસ શરુ કરી છે. મોબાઈલ રિપેરીંગની દુકાન ધરાવતા યુવક પાસેથી મોબાઈલ, ટેબલેટ તેમજ એક સ્માર્ટ વોચ મળઈ આવતા પોલીસે તપાસ કરતા એક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
દારૂની બે બોટલો પણ મળી આવી:આરોપીની દુકાન અને ઘરની તપાસ કરતા તેના પાસેથી પોલીસને 68 જેટલા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન, ટેબ્લેટ અને એક ડિજીટલ વોચ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે આરોપીના ઘરમાં વધુ તપાસ કરતા ત્યાંથી દારૂની બે બોટલો પણ મળી આવી હતી. આરોપી પાસેથી મળી આવેલા 68 મોબાઈલ પૈકી એક સેમસંગ કંપનીનો ફોન તેને બકુલ છારા નામનો યુવક ત્રણ-ચાર દિવસ પહેલા ચોરીનો મોબાઈલ હોવાથી લોક ખોલવા માટે દુકાને આપી ગયો હોવાની હકીકત જણાવી હતી.
3.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો: આરોપીને તે મોબાઈલ ચોરીનો હોવાની જાણ હોવા છતાં આર્થિક ફાયદા માટે મોબાઈલ પોતાની પાસે રાખ્યો હોવાની બાબત સામે આવી હતી. આરોપી પાસેથી સરદારનગર પોલીસે 2.90 લાખની કિંમતના 68 મોબાઈલ ફોન, ટેબલેટ અને સ્માર્ટ વોચ સહિત કુલ 3.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી પાસેથી મળી આવેલા મોબાઈલના બીલ કે અન્ય કોઈ પુરાવાઓ ન મળતા આરોપીએ આ મોબાઈલ ફોન ચોરી અથવા છળકપટથી મેળવ્યા હોવાનું સામે આવ્યુ હતું.
ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત: આ મામલે સરદારનગર પોલીસે તપાસ કરતા આનંદનગર પોલીસ મથકે નોંધાયેલા ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ મામલે સરદારનગર પોલીસે અન્ય મોબાઈલ ફોનના IMEI નંબરના આધારે તેના મૂળ માલિક અંગે તપાસ શરૂ કરી છે. આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનના પી.આઈ પી.વી ગોહિલે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતુ કે, આરોપીની ધરપકડ કરી મોબાઈલ ફોન કબ્જે કરાયા છે. જે મોબાઈલ ફોનના મૂળ માલિકો સુધી પહોંચવા તપાસ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો:
- Gandhinagar Crime : ગાંધીનગરમાં ત્યજી દેવાયેલી કારમાં હથિયારો મળી આવ્યાં, રીઢા ગુનેગારની સંડોવણી બહાર આવી
- વ્યાજખોરોનો ત્રાસ: સુસાઇડ નોટમાં સુરવાઇઝર સહિત 4ના નામ લખી સિક્યુરિટી ગાર્ડનો આપઘાત