પત્નીની હત્યા કરી આરોપી પતિ ફરાર થઇ ગયો હતો અમદાવાદ : શંકા નામની મનોવિકૃતિએ પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ ઘટી ગયો હતો. 21 તારીખે અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં કોતરપુરમાં પતિએ પત્નીની બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી અને ફરાર થઇ ગયો હતો. ઘટના અંગે મૃતક મહિલાના ભાઇએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કાર્યવાહી કરતાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે હત્યારા પતિની ધરપકડ કરી છે.
કારણનો ખુલાસો : અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં બે દિવસ પહેલા પતિએ પત્ની કરેલી હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીની તપાસમાં પત્નીના અન્ય યુવક સાથેના આડા સંબંધની આશંકા જવાબદાર હોવાનો ખુલાસો થયો છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કોતરપુરમાં 21મી માર્ચના રોજ રાતના સમયે નીતાબેન બાવરી નામની મહિલાની તેના જ પતિએ હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime : સામાન્ય બાબતમાં પતિએ પત્નીની હત્યા કરી ફરાર
હત્યા બાદ આરોપી ફરાર : મહિલાની હત્યાના મામલે મૃતક મહિલાના ભાઈએ એરપોર્ટ પોલીસ માતા કે ફરિયાદ નોંધાવી હતી. જેમાં રવિ ઉર્ફે વિજયે ઘર કંકાસના કારણે તેની પત્નીને દુપટ્ટાથી ગળે ટૂંપો આપી તેમજ માથામાં બોથડ પદાર્થ મારી ગંભીર ઇજાઓ પહોંચાડીને હત્યા કરી હતી. જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી ગુનામાં સામેલ આરોપી પતિને ઝડપી પાડ્યો છે.
આરોપીની ધરપકડ : આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી હકીકતના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જેમાં ઘટના બાદ આરોપી પોતાના વતન થરાદ ખાતે ફરાર થઈ ગયો હતો. જે બાદ તે અમદાવાદના કુબેરનગર ખાતે પરત આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે પત્ની પર આડા સંબંધની શંકા રાખતો હોવાનું કારણ બહાર આવ્યું હતું.
શંકાના કારણે ઘરકંકાસ : આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે છેલ્લા એક અઠવાડિયાથી સરદારનગર પાસે આવેલ ધાબાવાળી ચાલીમાં બંને પતિ પત્ની ભાડે રહેવા માટે આવ્યા હતાં. આ ભાડે રહેવા પાછળનું કારણ બીજું કંઈ નહીં, પરંતુ પત્ની પર આડાસંબંધની શંકા હતી. જેને કારણે સાસરીમાં પણ ઘરકંકાસ થતી હતી. થોડા સમય પહેલા બંને પતિ પત્ની અલગ રહેવા આવ્યા હતાં, પરંતુ પત્ની પર આડા સંબંધોની શંકા રાખીને બંને વચ્ચે અવારનવાર ઝગડાઓ થતાં હતાં. જેના કારણે બે દિવસ અગાઉ પતીએ મોડી રાત્રે પથારીમાં ઉઘી રહેલી પત્ની નીતાબેનના માથાના ભાગે બોથડ પદાર્થ મારી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો.
આ પણ વાંચો Surat Crime અમરોલીમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી, આવું હતું કારણ
આરોપી પોલીસ ચોપડે ચડેલો છે : પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ત્રણ મહિના અગાઉ મૃતક પત્નીના પિતાને પણ માથાના ભાગે પથ્થર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. જે ગુનામાં પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો હતો. આ ઉપરાંત આરોપી રવિ ઉર્ફે વિજય અગાઉ પણ નરોડા અને કૃષ્ણનગર પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ત્યારે હાલતો ક્રાઇમ બ્રાન્ચે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એરપોર્ટ પોલીસને સોંપ્યો :આ અંગે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ પી.કે ગોહિલે જણાવ્યું હતું કે હત્યા કર્યા બાદ આરોપી વતનમાં ફરાર થઈ ગયો હતો અને વતનમાંથી પરત આવતા જ તેને ઝડપી લેવામાં આવ્યો છે, અન્ય વ્યક્તિ સાથેના આડા સંબંધોની આશંકાએ જ તેણે પત્નીની હત્યાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. હાલ આરોપીની વધુ તપાસ માટે તેને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે.