અમદાવાદ : અમદાવાદમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં 400 જેટલા લોકોને ક્રૂઝમાં ગોવા લઈ જવાનું કહીને 57 લાખ મેળવીને ગોવા ન લઈ જઈ અને પૈસા પરત ન આપીને ત્રણ શખ્સોએ છેતરપિંડી આચરી છે. સમગ્ર મામલો નવરંગપુરા પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
આરોપીની ઓળખાણ : અમદાવાદના ખોખરા ખાતે રહેતા ઈલાંગો મુદલિયાર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. તે નવરંગપુરામાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા હોય 2021 માં મિત્ર હસમુખ પટેલ સાથે ગોવા ગયા હતા. ત્યારે જીગર પટેલ નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. જીગર પટેલે પોતે જોજો બસના નામે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા હોય અને તેણે જણાવ્યું હતું કે સુરતથી તેનું ક્રુઝ દમણ સુધી જાય છે, જેથી ફરિયાદીએ તેની સાથે મોબાઈલ નંબરની આપ લે કરી હતી.
આ પણ વાંચો Bhavnagar Crime : 8 પેઢીના નામે બોગસ બીલિંગ બનાવવા મામલે ચાર સામે ફરિયાદ, એક ઝડપાયો
400 પ્રવાસીની ક્રૂઝ ટ્રીપ : ફરિયાદીએ થોડાક દિવસ બાદ એક ટુર ગોઠવી હતી, જેમાં 400 લોકોને ચેન્નઈથી ગોવા મોકલવાના હોય તેણે જીગર પટેલનો સંપર્ક કર્યો હતો. જીગર પટેલે તમામ લોકોને પ્લેન દ્વારા મુંબઈ લઈ જઈ અને ત્યાંથી ક્રૂઝમાં ગોવા મોકલવાની વાત કરી એક વ્યક્તિ દીઠ 25 હજારનો ખર્ચ કહ્યો હતો. જે સમયે ફરિયાદીએ તેની સાથે સોદો નક્કી કર્યો હતો.
57 લાખ પડાવી લીધા :જે બાદ જીગર પટેલ તેના મિત્ર લવ શર્મા, વરુણ શર્મા તેમજ જતીન નાગ્લાને લઈ ફરિયાદીની ઓફિસે આવ્યો હતો અને ફરિયાદીને તેની સાથે આવેલા લોકો પોતાના પાર્ટનર હોવાનું જણાવીને ટોકન પેટે 9 લાખ રૂપિયા માંગ્યા હતાં. જેથી ફરિયાદીએ તેઓને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ ટુકડે ટુકડે 57 લાખ રૂપિયા આરોપીએ પડાવી લીધા હતાં.
આ પણ વાંચો Ahmedabad Crime: ટ્રાન્સપોર્ટના વેપારીઓ સાથે ઠગાઈ આચરનાર ઝડપાયો, અનેક ગુનાના ભેદ ઉકેલાયા
ક્રૂઝ કેન્સલ :જે બાદ ફરિયાદી ઈલાંગો મુદલિયાર અને તેના મિત્ર ક્રૂઝ જોવા માટે ગયાં તો ક્રૂઝ કેન્સલ થયું હતું. જે બાદ ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટેની કવાયત હાથ ધરી છે. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનના PI અમિતકુમાર એ. દેસાઈએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.