નેપાળી યુવકની હત્યા મામલે ધરપકડ અમદાવાદ : અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નેપાળી યુવકની હત્યા મામલે પોલીસે 10 જેટલા લોકોની ધરપકડ કરી હતી. રાતના સમયે ગામમાં ફરતા યુવકને ચોર સમજીને એક જગ્યાએ બાંધીને 10થી 15 લોકોએ ઢોર માર્યો હતો અને જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. તેમજ યુવકને માર મારવામાં આવતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો.
19 માર્ચે લાશ મળી : ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જીવણપુરા ગામથી તેલાવ કેનાલના રોડ ઉપર 19 માર્ચના રોજ એક લાશ મળી આવી હતી. જે અંગે મોર્નિંગ વોકમાં નીકળેલા ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરતા યુવકની હત્યા થઈ હોવાનું અને તેના શરીર ઉપર ગંભીર ઈજાઓ થઈ હોવાનું ધ્યાને આવતા આ સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી હતી.
આ પણ વાંચો Kheda News : ચોરની શંકાએ ગ્રામજનોએ ઢોર માર મારતાં પરપ્રાંતિય યુવકનું મૃત્યુ
ચોર હોવાની શંકાથી માર :આ મામલામાં પોલીસને બાતમી મળી હતી કે મરણ જનાર યુવકને જીવણપુરા ગામના કેટલાક લોકોએ જીવણપુરા ગામમાં રહેતા ઈશ્વરભાઈ ઉર્ફે ગીધાભાઈ પટેલના ઘરમાં અગમ્ય કારણોસર અથવા તો ચોરીના ઇરાદે આવ્યો હોવાનું લાગતા તે આશંકાના ઈરાદે તેને માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં ગામના ચોકમાં આવેલ એક મંદિર પાસે લોખંડના પોલ સાથે યુવકને બાંધી માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ગામના લોકોએ યુવકને ચોર સમજીને માર મારી હોવાનું સામે આવ્યું હતું
10 લોકોની ધરપકડ : આ સમગ્ર મામલે ઈશ્વર પટેલ નામના વ્યક્તિને પૂછપરછ કરતા તેણે પોતે તેમજ ગામના તથા આજુબાજુના માણસોએ અલગ અલગ હથિયારોથી યુવકને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું, આ સમગ્ર મામલે પોલીસે ગુનામાં સામેલ સંજય મકવાણા, રાહુલ ઠાકોર, મનુ પટેલ, આકાશ ઠાકોર, ચેતન ઉર્ફે લાલો સાધુ, ઈશ્વર પટેલ, સુરેશ ઠાકોર, નવઘણ ઠાકોર, રઈજી ઠાકોર તેમજ રવિ ઠાકોર એમ કુલ 10 લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો Surat Crime : ખાનગી બસમાં ડ્રાઈવરને માર મારીને આંખો ફોડી નાખી, CCTVમાં કેદ થયા દ્રશ્યો
મૃતક યુવક નેપાળી હતો : આ સમગ્ર ઘટનામાં નેપાળના સુખે તો જિલ્લાના કલ્યાણ ગામના કુલમાન ગગન નામના યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વધુ તપાસ કરતાં સામે આવ્યું હતું કે મૃતક આસપાસમાં સિક્યુરિટી ગાર્ડની નોકરીમાં જોડાયો હતો. જો કે તેને ત્યાં ફાવટ ન આવતા ત્રણ ચાર દિવસ નોકરી કર્યા બાદ છોડીને રખડતો ભટકતો હતો. હાલ તો આ સમગ્ર મામલે ચાંગોદર પોલીસે પકડાયેલા આરોપીઓને વધુ તપાસ અને પૂછપરછ કરી ગુનામાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
સાણંદ પોલીસની તપાસ :આ અંગે સાણંદ ડિવિઝનના DYSP બી.એસ વ્યાસે જણાવ્યું હતું કે ડોક્ટર દ્વારા પોલીસને મૃતદેહ અંગે જાણ કરાઈ હતી અને તપાસ કરતા ગામના લોકોએ જ યુવકને ચોર સમજીને તેની હત્યા કરી હતી, આ મામલે 10 લોકોની ધરપકડ કરી અન્યની શોધખોળ પોલીસે હાથ ધરી છે.