અમદાવાદ :ઈસનપુરમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકે એકલતાનો લાભ લઇને સગીર વિધાર્થિની સાથે બે વખત છેડતી કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ટ્યુશન ક્લાસીસનો સંચાલક પોતાની કારમાં સગીરાને ફોસલાવી લો-ગાર્ડન લઈ ગયો હતો. ત્યાં સગીરાનો ભાઈ આવી જતા સગીરા અને તેના ભાઈને ફટકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સગીરાએ સમગ્ર હકીકત તેના માતા-પિતાને જણાવી હતી. આ અંગે સગીરાએ ટ્યુશન ક્લાસીસ સંચાલક સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોક્સો સહિતની કલમ હેઠળ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
નરાધમ શિક્ષક : બનાવની મળતી વિગત અનુસાર ઈસનપુરમાં 15 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. તેમજ સગીરા તેના ઘર નજીક આવેલા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ભણવા જતી હતી. ટ્યુશન ક્લાસીસના સંચાલક આરોપીએ શરૂઆતમાં સગીરાને પોતાની વાતોમાં ફસાવવાનું ચાલુ કર્યું હતું. આ દરમિયાન ગત ઓગસ્ટ મહિનામાં ટ્યુશન ક્લાસ પૂર્ણ થઈ ગયા હોવા છતા સંચાલક બહાનું કાઢીને તેને રોકી રાખતો હતો. ત્યારબાદ રૂમ બંધ કરી સગીરાની છેડતી કરતો હતો. તેમજ આરોપીએ સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સગીરાએ પ્રતિકાર કરતા આરોપીએ તેને છોડી દીધી હતી. જે બાદ સગીરા ગભરાઈ જતા કોઈને વાત કરી ન હતી.