અમદાવાદ : અમદાવાદ શહેર સહિત ગુજરાતના તમામ શહેરોમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી.. જેમાં મહદ અંશે વ્યાજખોરોને અટકાવવામાં અને ગરીબ લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી ફસાવતા બચાવી લેવામાં આવ્યા હતા. જોકે હજુ પણ અમુક જગ્યાએ અમુક વ્યાજખોરો દ્વારા યેનકેન પ્રકારે લોકોને પોતાની જાળમાં ફસાવીને વ્યાજે પૈસા આપ્યા બાદ ચારથી પાંચ ગણી રકમ મેળવીને અને તે રકમ મેળવવા માટે ત્રાસ આપવામાં આવતો હોય તે પ્રકારની ઘટનાઓ બનતી આવી છે. ત્યારે શહેરના રામોલ વિસ્તારમાં આવી જ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી :અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા અને ઓઢવ ખાતે આવેલા આદર્શ એસ્ટેટમાં દુકાન ધરાવી પોલીક્રાફ્ટ મશીનરી નામે વેપાર કરતાં 62 વર્ષીય વૃદ્ધે આ બાબતને લઈને વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. વેપારીને ધંધામાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા મહિલા થકી વિજય શાહ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો અને જેવો નાણાંનું કામ કરતા હોય વેપારીને અવારનવાર પૈસાની જરૂર પડતી હોવાથી તેઓની પાસેથી પૈસા લેતા હતા અને વ્યાજ સહિત ચૂકવી દેતા હતા.
આ પણ વાંચો Ahmedabad Crime News : 8ની સામે 15 લાખ આપ્યા છતાં વ્યાજખોરે ન છોડ્યો પીછો, આખરે શિક્ષકે નોંધાવી પોલીસ ફરિયાદ
રુપિયા ચૂકવાઇ ગયાં છતાં ઉઘરાણાં : વેપારીએ 10 ઓક્ટોબર 2018 થી 11 ફેબ્રુઆરી 2019 સુધીના સમયગાળા દરમિયાન ધંધામાં મંદી હોવાના કારણે પૈસાની જરૂર પડતા વિજય શાહ પાસેથી ટુકડે ટુકડે 12 લાખ 95 હજાર 830 જેટલી રકમ મેળવી હતી, તેની સામે વેપારીએ વ્યાજ સહિત 18 લાખ 10 હજાર 500 રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં આજ દિન સુધી વિજય શાહે વેપારી પાસે વ્યાજ લેવાનું બાકી નીકળે છે, તેવું કહીને પૈસાની ઉઘરાણી કરવામાં આવે છે.
ચેક સહી કરેલા લઈ લીધા : વિજય શાહે વેપારી પાસેથી એક કરાર કરાવ્યો હતો, જેમાં તેણે વેપારી પાસેથી સિક્યુરિટી પેટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેક સહી કરેલા લઈ લીધા હતા. જે ચેકમાં તેણે 46 લાખ રૂપિયાની રકમ લખી અને તે વેપારી દ્વારા આપવામાં આવેલા પૈસા પરત આપી દીધા છતાં પણ ચેક પરત ન આપીને ધમકીઓ આપતો હતો.
આ પણ વાંચો Beware of usurer: વ્યાજખોરથી કંટાળી યુવકે સાબરમતીમાં કૂદીને આપઘાતનો કર્યો પ્રયાસ, પોલીસે બે વ્યાજખોર ઝડપ્યા
જાનથી મારી નાખવાની ધમકી : મુકેશ પંચાલ આરોપી પાસે ચેક લેવા ગયા હતા, ત્યારે તેણે ધમકી આપી હતી કે તારે જે ઉખાડવું હોય તે ઉખાડી લેજે, ચેક પરત આપવાના નથી અને તારે ફરિયાદ કરવી હોય તો ફરિયાદ કરી દેજે હું કોઈથી બીતો નથી પોલીસવાળા મારું કાંઈ નહીં ઉખાડી શકે અને ફરિયાદ કરશો તો હું તમને જોઈ લઈશ. જેના થોડા દિવસ પછી ફરીવાર મુકેશભાઈ પંચાલ વિજય શાહ પાસે ચેક લેવા ગયા, ત્યારે તેણે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તમારા કાંડા કાપી લીધા છે, હવે તમને કબરમાં ધકેલવાના બાકી છે. તેવું કહીને ધમકીઓ આપી હતી. જે બાદ આરોપીએ વેપારીએ સિક્યુરિટી પેટે લઈ લીધેલા બે ચેક બેંકમાં નાખતા બંને ચેક અંગે મુકેશ પંચાલને જાણ થતા તેઓએ ચેકમાં સ્ટોપ પેમેન્ટ કરાવ્યા હતા.
રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : જે બાદ વિજય શાહને અવારનવાર સમજાવા છતાં તે ચેક ન આપતો હોય જેથી વેપારીએ ઝોન 5 DCP ને અરજી આપી હતી અને બાદમાં રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ અંગે તપાસ કરનાર ઓઢવ પોલીસ સ્ટેશનના PI જે.એસ કંડોરિયાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, અને આગળની તપાસ ચાલી રહી છે.