ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : મહાઠગે ઈડીના નકલી ડાયરેક્ટરની ઓળખ આપી દોઢ કરોડ પડાવ્યાં, આવી રીતે લાલચ આપી કળા કરી ગયો - મહાઠગ

પીએમઓમાં ઉંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી અનેક લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર કિરણ પટેલ હજુ ભૂલાયો નથી, ત્યાં વધુ એક મહાઠગ ઓમવીરસિંહ સામે આવ્યો છે. જેણે એન્ફોર્સમેન્ટ ડિરેકટર તરીકેની ઓળખ આપી ટેન્ડર અપાવવાની લાલચ આપી દોઢ કરોડ રૂપિયા પડાવી લીધા અને બાદમાં ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Ahmedabad Crime : મહાઠગે ઈડીના નકલી ડાયરેક્ટરની ઓળખ આપી દોઢ કરોડ પડાવ્યાં, ટેન્ડરની લાલચ આપી કળા કરી ગયો
Ahmedabad Crime : મહાઠગે ઈડીના નકલી ડાયરેક્ટરની ઓળખ આપી દોઢ કરોડ પડાવ્યાં, ટેન્ડરની લાલચ આપી કળા કરી ગયો

By

Published : Aug 8, 2023, 8:23 PM IST

અમદાવાદ : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક મહાઠગ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ ગુનાહિત કાવતરું રચીને કેન્દ્ર સરકારના ફાયનાન્સ વિભાગમાં એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટમાં (ED) ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતો ન હોવા છતાં પણ બોગસ વિઝિટીંગ કાર્ડ બનાવી ટેન્ડરને લગતું કામકાજ કરાવી આપવાનું વિશ્વાસ અને ભરોસો આપી દોઢ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ કામ ન કરાવી તેમજ પૈસા ન આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ઘર બંધ કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે સેટેલાઈટ પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નકલી વિઝિટિંગ કાર્ડ

આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે ટીમો કામ લગાડવામાં આવી છે. આરોપીના પકડાયા બાદ તેણે આ રીતે અન્ય કોઈ સાથે ઠગાઈ કરી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાશે...કે. વાય. વ્યાસ(પીઆઈ,સેટેલાઈટ પોલીસ સ્ટેશન)

મકાન ભાડે આપવાનું હતું : અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય ઝરણાબેન ઠાકર છેલ્લા સાડા ત્રણ વર્ષથી સેટેલાઈટ વિસ્તારમાં નવગ્રહ મંડળની ઓફિસમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓની ઓફિસના માલિક ડોક્ટર રવિ રાવ છે. તેઓની ઓફિસમાં એસ્ટ્રોલોજી અને પૂજા વિધિ કરાવવાનું કામકાજ કરવામાં આવે છે. ફરિયાદીના માલિક ડૉ. રવિ રાવનું આંબલી-બોપલ રોડ ઉપર એક મકાન આવેલું હોય અને તે મકાન ભાડે આપવા માટે તેઓને જણાવતા તેઓએ ત્રણ ચાર એજન્ટને આ બાબતે વાત કરી હતી.

ઈડીના ડાયરેક્ટરની ઓળખવાળું વિઝિટીંગ કાર્ડ : માર્ચ 2023 માં ઝરણાબેન નોકરી પર હતા, તે વખતે દિવ્યાંગ નામનો એજન્ટ તેની સાથે એક વ્યક્તિને લઈને આવ્યો હતો. એજન્ટ દ્વારા ઝરણાબેનના શેઠનું બોપલ આંબલીનું મકાન ભાડે આપવા માટે વાતચીત કરી હતી અને તેની સાથે આવેલા માણસનું નામ ઓમવીરસિંહ હોવાનું અને તે EDના ડાયરેક્ટર હોવાનું જણાવતા તે વ્યક્તિએ પોતાનું વિઝિટીંગ કાર્ડ આપ્યું હતું. જે કાર્ડમાં IRS એડિશનલ ડાયરેક્ટર એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, હેડ ઓફિસ દિલ્હી તેમજ ઝોનલ ઓફિસ ન્યુ દિલ્હીનું સરનામું અને મોબાઈલ નંબર લખ્યો હતો.

બે લાખ રૂપિયા ભાડા પેટે મકાન રાખ્યું : બીજા દિવસે ઝરણાબેને એજન્ટ તેમજ ઓમવીરસિંહને મકાન બતાવવા માટે બોલાવતા તેઓ બંને આવ્યા હતા અને પસંદ કર્યું હતું. ત્યારબાદ ફરિયાદીના શેઠે ડૉ રવિ રાવ સાથે નોટરી ભાડા કરાર કરી 11 મહિના માટે મહિને બે લાખ રૂપિયા ભાડા પેટે મકાન આપ્યું હતું. ત્યારબાદ અંદાજે 15 દિવસ બાદ ઓમવીરસિંહ તે મકાનમાં ફરિયાદીના જ નવગ્રહ મંડળ મારફતે સેવા પૂજા કરાવી હતી.

ભરોસે રહી દોઢ કરોડ આપ્યાં :તે વખતે તેઓએ ફરિયાદીના શેઠ રવિ રાવને જણાવ્યું હતું કે તેમની ખૂબ મોટી મોટી ઓળખાણો છે, જેથી કંઈ કામકાજ હોય તો કહેજો. જેથી ફરિયાદીના શેઠ ડૉ.રવિ રાવે તેઓના એક ક્લાયન્ટ પ્રદીપ ઝાના કોઈ કામકાજના ટેન્ડરનું કામ કરાવી આપવાની વાતચીત કરી હતી. જે કામ કરાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો અપાવી ઓમવીરસિંહે દોઢ કરોડ રૂપિયા માંગ્યા હતાં. જેથી પ્રદીપ ઝાએ ડૉ. રવિ રાવના ભરોસે 1.5 કરોડ રૂપિયા ઓમવીરસિંહને આપ્યા હતા અને આ કામની જવાબદારી ફરિયાદીના શેઠ ડૉ. રવિ રાવે લીધી હતી.

વાયદા પર વાયદા થતાં ઠગાઇનો ખ્યાલ આવ્યો : જે બાદ ફરિયાદીના શેઠ ડૉ. રવિ રાવ અવારનવાર ઓમવીરસિંહનો સંપર્ક કરી કામકાજ કરાવી આપવા માટે કહેતાં તે વાયદાઓ કરતો હતો. જેથી ડૉ. રવિ રાવને આરોપી દ્વારા પોતાની સાથે ઠગાઈ કરી હોવાનું ધ્યાને આવતા પૈસા પરત માંગતા તે ખોટા ખોટા વાયદા કરતો હતો અને પૈસા પરત ન આપતો હતો. જેમાં છેવટે ઓમવીર સિંહને પ્રદીપ ઝાએ આપેલું ટેન્ડરનું કામ કરવા માટે દોઢ કરોડ રૂપિયા લઇ કામ ન કરાવી પૈસા પરત ન ચૂકવી છેતરપિંડી આચરી હોય આ સમગ્ર બાબતે સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

સેટેલાઈટ પોલીસે ગુનો નોંધ્યો : મહાઠગ ઓમવીરસિંહે પોતે ભારત સરકારમાં ફાયનાન્સ વિભાગમાં ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતો ન હોવા છતાં બોગસ વિઝિટીંગ કાર્ડ બનાવી ફરિયાદીના શેઠના ક્લાયન્ટને ટેન્ડરને લગતું કામકાજ કરાવી આપવાની વાત કરી દોઢ કરોડ રૂપિયા લઈને ફરાર થઈ જતા સમગ્ર બાબતે સેટેલાઈટ પોલીસે આઇપીસીની કલમ 170, 406, 420, 465, 468, 471, 484 અને 120 બી મુજબ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

  1. Kiran Patel Case : મહાઠગ પટેલે બનાવેલા વિઝીટિંગ કાર્ડ અને સિમ કાર્ડ બાબતે થયા અનેક ખુલાસા
  2. Vadodara Crime : વડોદરામાં મહાઠગ હર્ષિલ લીંબચીયા દારૂ પીતો હતો ને ઘર બહાર પોલીસ જાપ્તો તૈનાત, પેરોલ પર જલસાની નવી વાત
  3. Ahmedabad Crime: કડકડાટ અંગ્રેજી બોલતો અને પોતાને હાઈપ્રોફાઈલ અધિકારી ગણાવતો મહાઠગ કિરણ પટેલ કોણ છે, જૂઓ

ABOUT THE AUTHOR

...view details