ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની સંપત્તિ અને અન્ય પુરાવાઓ અંગે તપાસ કરી શરુ

પીએમઓ ઓફિસના અધિકારી તરીકેની ખોટી ઓળખના કેસમાં ધરપકડ બાદ કિરણ પટેલની સંપત્તિ અને પુરાવાઓની તપાસ શરુ થઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ અને પૂછપરછના ભાગરૂપે કિરણ પટેલની સંપત્તિ તથા ફરિયાદીના બંગલાના દસ્તાવેજી પુરાવાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Ahmedabad Crime : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની સંપત્તિ અને અન્ય પુરાવાઓ અંગે તપાસ શરુ
Ahmedabad Crime : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની સંપત્તિ અને અન્ય પુરાવાઓ અંગે તપાસ શરુ

By

Published : Apr 13, 2023, 9:43 PM IST

અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે જમ્મુ કાશ્મીરથી ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપ પહેલા કિરણ પટેલની એક બાદ એક અલગ અલગ દિશામાં તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. જેના ભાગરૂપે હવે શહેર ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની સંપત્તિ તથા ફરિયાદીના બંગલાના દસ્તાવેજી પુરાવા અંગે તપાસ હાથ ધરી છે.
ફરિયાદી જગદીશ ચાવડાના શીલજ ખાતેના કરોડો રૂપિયાની કિંમતના બંગલાને પચાવી પાડવાનો પ્રયાસ કિરણ પટેલ અને માલિની પટેલ કર્યો હતો, જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો હતો,

સંપત્તિની તપાસ : બંગલો પચાવી પાડવાની ફરિયાદના પગલે બંગલાના દસ્તાવેજી પુરાવાની ચકાસણી હાથ ધરવામાં આવી છે. આરોપી કિરણ પટેલે ફરિયાદીના બંગલાની મિલકત ઉપર દાવો કર્યા બાદ કુટ નીતિ રાખીને સબ રજીસ્ટર કચેરીમાં લીઝ સ્પેન્ડન્સ અંગે નોંધ કરાવી હતી જે અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. વધુમાં આરોપી કિરણ પટેલે છેતરપિંડીનો જે ગુનો આચર્યો છે, આ પ્રકારે છેતરપિંડી કરી ગુજરાત રાજ્યમાં અન્ય કોઈ સંપત્તિ મેળવી છે કે કેમ તે અંગે પણ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Kiran Patel Case: અનેક ડીગ્રી ધરાવતો કિરણ પટેલ હવે જાણશે ક્રાઈમ બ્રાન્ચની થર્ડ ડીગ્રી વિશે, જાણો કિરણ પટેલ કઈ રીતે બન્યો મહાઠગ

પરિવાર અને બેનામી સંપત્તિ અંગે પણ તપાસ : મહાઠગ કિરણ પટેલ ફરિયાદી જગદીશ ચાવડાનો બંગલો ખરીદવા માટે સક્ષમ છે કે કેમ તે અંગે ખાતરી તપાસ કરવા માટે આરોપી તથા તેના પરિવારના સભ્યોની સંપત્તિ અને બેનામી સંપત્તિ અંગે પણ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલ દ્વારા તેની સામે નોંધાયેલા ગુના સંદર્ભે નામદાર મેટ્રો કોર્ટમાં જામીનની અરજી કરવામાં આવી હતી. ત્યારે નામદાર કોર્ટે તેના જામીન નામંજૂર કર્યા છે જેથી હવે તેને હજુ પણ જેલમાં રહેવું પડશે.

મણિનગરમાં છપાવ્યાં વીઝીટીંગ કાર્ડ :અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે દિવસ પહેલા કિરણ પટેલના ઘોડાસર સ્થિત નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરીને ત્યાંથી નીલકંઠ બંગલોની ચાવી, વાસ્તુ પૂજાની પત્રિકા, સ્ટેમ્પ પેપર સહિત બેંકના ડોક્યુમેન્ટ સહિતના અનેક દસ્તાવેજો કબજે કર્યા હતા. જે બાદ કિરણ પટેલે જે જગ્યાએ પોતાનું વીઝીટીંગ કાર્ડ બનાવડાવ્યું હતું, તેમજ સીમકાર્ડ ખરીદ્યું હતું, તે સ્ટોર ઉપર પણ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે મણિનગર ચાર રસ્તા પાસે મહાલક્ષ્મી માર્કેટમાં આવેલી આકાંક્ષા ક્રિએશનમાં તપાસ કરતા ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં તેણે 10 વીઝીટીંગ કાર્ડ છપાવ્યા હતાં, જે વીઝીટીંગ કાર્ડમાં ADDITIONAL DIRECTOR P.M.O, STRATERGY CAMPAIGN નું લખાણ લખેલું હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો Fake PMO official Kiran Patel: વૈભવી ગાડીઓમાં ફરનારો મહાઠગ કિરણ પટેલ ક્રાઈમ બ્રાન્ચમાં આવતા ઘૂંટડીયે બેસ્યો, સિંહની જેમ ફરનાર હવે બની ગયો બિલાડી

10 જ વીઝીટીંગ કાર્ડ છપાવ્યાં હતાં :કિરણ પટેલ વીઝીટીંગ કાર્ડ છપાવવા માટે ગયો, ત્યારે ખરાઈ કરવા માટે ઓથોરિટી પ્રમાણપત્ર માંગવામાં આવ્યું હતું. પરંતુ તેણે રજૂ કર્યું ન હતું. વીઝીટીંગ કાર્ડ એક સાથે 100, 200, 500 અથવા તેનાથી વધુ જથ્થામાં બનાવવામાં આવતા હોય છે. પરંતુ કિરણ પટેલે પોતાની કુટનીતિ વાપરીને ફક્ત 10 કાર્ડ જ બનાવ્યા હતા અને માત્ર કલર પ્રિન્ટરમાં 10 કાર્ડની કોપી કઢાવી હતી.

વોડાફોન કંપનીમાંથી માહિતી માગવામાં આવી :કિરણ પટેલના મોબાઈલ નંબરની વાત કરવામાં આવે તો કિરણ પટેલ જે મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે, તે સરકારી અધિકારીના મોબાઈલ નંબર જેવો મળતો ભળતો નંબર હોય તે મોબાઈલ નંબર તેમજ સીમકાર્ડ મણિનગરમાં મહેતા ફરસાણ પાસે વોડાફોન સ્ટોરમાંથી ખરીદ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેથી સ્ટોરમાં ખાતરી કરીને તપાસ કરતા સ્ટોર હાલ બંધ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જેથી આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે વોડાફોન કંપનીમાંથી જરૂરી માહિતી મેળવવા કાર્યવાહી હાથ ધરી અલગ અલગ મુદ્દાઓ પર તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details