અમદાવાદ:ગેસના બાટલાના ભાવ વધતાની સાથે લોકો સસ્તા ગેસના બાટલા લેવા માટે કોઇ પણ રીત શોધતા હોય છે. એવી જ રીતે લોકોનીજરૂરિયાતને અવસરમાં બદલીને લોકોને ગેસના બાટલા આપતું કૌભાંડ અમદાવાદના દાણીલીમડામાંથી ઝડપાયું છે. એક તરફ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. તેવામાં અમુક ઠગબાજો તેમાંથી પણ ગેસ ચોરી કરી લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આવા જબે યુવકોની ધરપકડ કરી છે. જે ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કટીંગ કરી કોમર્શિયલ ગેસના બાટલામાં ભરીને તેને બારોબાર વેચીને છેતરપિંડી આચરતા હતા.
ગોડાઉનમાં દરોડા પાડ્યા:અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલે બાતમીના આધારે દાણીલીમડા સિકંદર માર્કેટમાં આવેલા અમીન એસ્ટેટમાં આવેલા કે.જી.એન એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં મોહસીન ઉર્ફે પપ્પુ શેખ તથા રવિન્દ્ર જૈન નામના બે વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસના બાટલા કોઈ ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મેળવી લાવતા હતા. તે બાટલામાં રહેલા ગેસને અન્ય કોમર્શિયલ ગેસના બાટલામાં રિફીલ કરી માણસોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું હતું.