નરોડા વિસ્તારમાં ક્રાઈમના બનાવોને લઈને સ્થાનિકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અમદાવાદ : શહેરના ઝોન 4માં આવતા નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી, લૂંટ, મારામારી જેવા ગુનાઓ વધતા જઈ રહ્યા હોવાનો માહોલ સામે આવી રહ્યો છે. બદમાશો, ગુંડાઓને જાને કે કાયદા તેમજ પોલીસનો કોઈપણ પ્રકારનો ભય ના હોય તેમ બેફામ બની ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ પણ ક્યાંક આવા અસામાજિક તત્વોને કાબૂ કરવામાં નિષ્ફળ જઈ રહી તેવું લાગી રહ્યું છે.
ગુનાહિત પ્રવૃતિઓ અવારનવાર : આ અંગે સ્થાનિક જયેશભાઇએ જણાવ્યું હતું કે, નરોડા સહિત પૂર્વ વિસ્તારમાં ધોળા દિવસે ખુલ્લેઆમ ચોરી, લૂંટ, ચેંન સ્નેચિંગ તેમજ મોબાઈલ ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. દિવસમાં ચારથી પાંચ કેસ મોબાઈલ ચોરીના તેમજ ચેઈન સ્નેચિંગના બને છે, બે દિવસ પહેલા પોલીસ વાનની નજીક બદમાશોએ લાખો દાગીનાની ચોરી કરી હતી. સ્થાનિકોએ આ અંગે અનેક વખત ઉચ્ચ અધિકારીઓ, તેમજ ઝોન-4 ડીસીપીને રજૂઆત કરી છે, છતાં કોઈ પરિણામ આવ્યું નથી. સ્થિતિ તેમની તેમ જ છે, દિનપ્રતિદિન ચોરી, લૂંટફાટના બનાવો વધતા જઈ રહ્યા છે. એટલું જ નહિ જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય ત્યારે પણ તેને કડવો અનુભવ થતો હોય છે.
આ પણ વાંચો :Vadodara Crime: સગીર બાળક લગ્નપ્રસંગમાંથી 1.50 લાખની ચોરી કરી ફરાર, પણ CCTVમાં ઝડપાઈ ગ્યો
સ્થાનિકોએ આપી ધરણા પર બેસવાની ચીમકી : નરોડા વિસ્તારના સ્થાનિક લોકોએ સામાજીક કાર્યકર્તાઓ સાથે મળી નરોડા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. તેમજ ઉગ્ર વિરોધ કરતા અસામાજિક તત્વો, ચોરી, લૂંટની ઘટનાઓને કાબૂ કરવાની માંગ કરી હતી. એટલું જ નહિ જો આ બાબતે પોલીસ તરફથી કોઈ કાર્યવાહી ન થઈ તો ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચો :Surat Crime: દિવાળીના તહેવાર સમયે કર્ણાટકના બેંગ્લોરમાં ચોરી કરનાર આરોપી સુરતથી ઝડપાયો
પોલીસે શું કહ્યું : સ્થાનિક PIએ તેમની રજૂઆત સાંભળીને આશ્વાસન આપતા કહ્યું હતું કે, લૂંટફાટ જેવી ઘટનાઓને કાબૂ કરવા માટે હવે પોલીસની પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. જે જે વિસ્તારમાં CCTV બંધ છે તે CCTV કેમેરાને પણ ચાલુ કરવામાં આવશે. પોલીસ જનતાની રક્ષણ માટે છે ભક્ષણ માટે નથી. જો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા હોય તો તેની માહિતી પણ પોલીસને આપો. જેના કારણે વિસ્તારમાં ગુનાગારી ઓછી થઈ શકે. તેમજ પોલીસને પણ સરળતાથી ગુનેગારોને પકડી પાડે. તો બીજી તરફ નરોડા વિસ્તારના ભાજપના મહિલા ધારાસભ્યને પણ આ અંગે અજુઆત કરવામાં આવી છે, તેમજ પ્રજાની સુરક્ષાને કાજે કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાય તેવી માંગ કરવામાં આવી છે.