અમદાવાદ:શહેરના નામચીન દયાવાનમાતા તથા અલ્તાફ બાસીના જુગારના અડ્ડા પર ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી 19 શખ્સોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી. જેના આધારે ડોક્ટર કનુભાઈની ચાલીમાં દરોડા પાડીને મકાનમાંથી 19 જુગારીઓની ધરપકડ કરી હતી.
ધરપકડ કરી:આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્થળ પરથી ફિરોઝખાન પઠાણ, જીતેન્દ્રભાઈ ઉર્ફે ડાહ્યો વાઘેલા, ભરત પરમાર, કનુભાઈ ગઢવી, યુનુસ ઉર્ફે બાબા શેખ, બીપીન ચંદ્રકાંત શાહ, ઇરફાન હુસેન અન્સારી, ડાહ્યાભાઈ બારો, જીતેન્દ્રભાઈ પટેલ, મુર્તુઝા શેખ, ફિરોજ વોરા, ઉમેશ ચૌહાણ, સાજીદ અલી સૈયદ, વિનોદ સોનકર, સતાર વોરા, યાસીનમિયા શેખ, મુસ્તાક શેખ, અશ્વિન ઠક્કર અને જગદીશ ઉર્ફે દિપક પટેલની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime News: અમદાવાદના રખિયાલમાં યુવક પર ફાયરિંગ, SOG ક્રાઇમે બેને પકડ્યાં
ગુનો દાખલ: આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે રુપિયા 82 હજાર રોકડ રકમ, 235 કોઈન, 5 મોબાઈલ ફોન અને અન્ય ચીજ વસ્તુઓ મળીને રુપિયા 1 લાખ 14 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે જુગારનો અડ્ડો ચલાવનાર ખુરશીદ અહેમદ ઉર્ફે દયાવાન માતા પઠાણ, અલ્તાફખાન ઉર્ફે બાસી પઠાણ ચલાવતા હોવાનું અને આ જુગારના અડ્ડા ઉપર તેના માણસ તરીકે ફિરોઝ ખાન પઠાણ, જીતેન્દ્ર વાઘેલા, ભરત પરમાર અને કનુ ગઢવીને નોકરી પર રાખ્યા હોવાનું તેમજ આ જુગારના અડ્ડામાંથી ઉઘરાવવામાં આવતી રકમ આસિફ ખાન પઠાણ સવાર સાંજ આવીને લઈ જતો હોવાનું સામે આવ્યું છે. જેથી આ તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
જુગાર ધામ:મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં અગાઉ પણ દરિયાપુર સહિતના વિસ્તારોમાં ચાલતા મોટા જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતની અનેક એજન્સીઓએ દરોડા પાડીને કડક પગલાં લીધા છે. પરંતુ હજુ પણ અનેક ગુનેગારોને પોલીસ સાથેની સાંઠગાંઠના પગલે આ પ્રકારે મોટું જુગારધામ ચાલવાની પરવાનગી મળી જતી હોય છે તે પ્રકારનું સામે આવે છે તેવામાં આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું અને કોણ કોણ આ ગુનામાં સંડોવાયેલા છે તે તમામ દિશામાં પકડાયેલા આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો Ahmedabad Crime News : વિધવા સહાયના નામે કોઈ મદદ કરવાનું કહે તો ચેતી જજો, જાણો આ ચોંકાવનારા કિસ્સા વિશે
શહેર ક્રાઈમ:આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એ.ડી પરમારે જણાવ્યું હતું કે હાલ આ ગુનામાં પકડાયેલા આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કર્યા બાદ મુખ્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મુખ્ય આરોપીઓ પકડાયા બાદ જુગારધામ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.