અમદાવાદ: અમદાવાદની સિટી સિવિલ કોર્ટમાં ત્રણ હિન્દુ પુત્રીઓ દ્વારા તેમની મુસ્લિમ માતાની સંપત્તિ પર અધિકાર છે તેવો દાવો કરતો કેસ દાખલ કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની માતાના મૃત્યુ પછી હિન્દુ દીકરીઓનો પણ મિલકત પર અધિકાર છે. જોકે કોર્ટ દ્વારા આ દાવાને ફગાવી દીધો હતો અને કોર્ટે ઠરાવ્યું હતું કે મહિલાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાથી મુસ્લિમ કાયદા અનુસાર મહિલાના હિન્દુ બાળકો તેના વારસદાર ન હોઈ શકે. કોર્ટે મહિલાના મુસ્લિમ પુત્રને તેનો યોગ્ય વારસદાર તરીકે જણાવ્યો હતો.
શું છે સમગ્ર મામલો:આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો રંજન ત્રિપાઠી નામની મહિલાના લગ્ન BSNLમાં કામ કરતા એક કર્મચારી સાથે થયા હતા, પરંતુ 1979 માં રંજન ત્રિપાઠી જ્યારે ગર્ભવતી હતા ત્યારે તેમના પતિનું મૃત્યુ થયું હતું. પતિના મૃત્યુ પહેલા તેમને સંતાનોમાં બે દીકરીઓ હતી. પતિના મૃત્યુ પછી BSNLએ રહેમીયતના આધારે મહિલાને ક્લાર્કની નોકરી આપી હતી. નોકરી મળ્યાના થોડા દિવસો બાદ રંજને ત્રીજી પુત્રીને જન્મ આપ્યો હતો.
ઇસ્લામ ધર્મ સ્વીકારીને મુસ્લિમ પુરુષ સાથે લગ્ન:જો કે પતિના મૃત્યુ બાદ રંજન ત્રણેય પુત્રીઓને પિતાના પરિવાર પાસે છોડીને એક મુસ્લિમ વ્યક્તિ સાથે રહેવા લાગી હતી. વર્ષ 1990માં ત્રણેય પુત્રીઓને ત્યજી દેવાના આધારે રંજન પર ભરણપોષણ માટે દાવો કર્યો હતો અને કેસ પણ જીત્યો હતો. રંજને વર્ષ 1995માં ઇસ્લામ ધર્મ સ્વીકારીને મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા હતા. ઇસ્લામ ધર્મ સ્વીકાર્યા બાદ તેને સર્વિસ રેકોર્ડમાં રંજન નામ બદલીને રેહાના મલેક રાખ્યું હતું. રંજનને મુસ્લિમ પતિથી એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. સર્વિસ રેકોર્ડમાં રંજને પોતાના નોમીની તરીકે પુત્રનું જ નામ રાખ્યું હતું.
આ પણ વાંચો:Redevelopment of Sabarmati Ashram : સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ કામગીરી અંગે હાઇકોર્ટના મહત્વના નિર્દેશ
પુત્રીઓએ મુસ્લિમ માતાની સંપત્તિ પર કર્યો દાવો:રંજન ઉર્ફે રેહાનાનું વર્ષ 2009માં મૃત્યુ થયું હતું. રંજનના મૃત્યુ બાદ તેમની ત્રણ પુત્રીઓએ શહેરની સિવિલ કોર્ટમાં માતાની સંપત્તિ પર અધિકાર માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં તેઓએ તેમની માતાના પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુંઇટી, ઇન્સ્યોરન્સ, લીવ એંક અને અન્ય પ્રોપર્ટી પર તેમના અધિકારો દર્શાવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેઓ તેમની પુત્રીઓ હોવાના કારણે તેઓ પ્રથમ વર્ગના વારસદાર છે.
કોર્ટે હિન્દુ પુત્રીઓનો દાવો ફગાવ્યો: આ સમગ્ર મામલે કોર્ટમાં સુનાવણી ચાલતા કોર્ટે તેમનો આ દાવો ફગાવી દીધો હતો અને કોર્ટે જણાવ્યું હતું કે, જો મૃતક મુસ્લિમ હોય તો તેના વર્ગ એકના વારસદારો હિન્દુ હોય ન શકે, આ સાથે જ કોર્ટે કહ્યું હતું કે મૃતક રંજન ઉર્ફે રેહાનાની હિંદુ દીકરીઓ વારસદાર હોવા છતાં તેઓ વારસાના હકદાર નથી. આ સાથે જ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, હિન્દુ વારસાના કાયદા અનુસાર દીકરીઓને તેમની મુસ્લિમ માતાઓ પાસેથી કોઈ પણ હક મળવાપાત્ર નથી.
આ પણ વાંચો:Budget 2023 For Digitization of Judiciary: કોર્ટનું ડિજીટલાઇઝેશન, અદાલતોમાં કરાશે તકનીકી અધિકારીઓની નિમણુક
શું કહે છે કાયદો: એડવોકેટ અન્સારી કહે છે કે, મુસ્લિમ કાયદા મુજબ હિન્દુ મુસ્લિમની મિલકતનો વારસો મેળવી શકતો નથી. આ કેસનો ચુકાદો આપતા સિવિલ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના નયના ફિરોઝ ખાન પઠાણ કેસના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તમામ મુસ્લિમો મોહમ્મદ કાયદા અનુસાર શાસન કરે છે. ભલે તેઓ ઇસ્લામ કબુલ કરે પણ તેમના અગાઉના ધાર્મિક અને વ્યક્તિગત કાયદાને ઇસ્લામ દ્વારા બદલવામાં આવે છે.