અમદાવાદ:મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિપક્ષ કોંગ્રેસના નેતા શહેજાદ ખાન, કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા કાળા કપડા પહેરીને રોડ પર બેસીને રોડ ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ આક્ષેપ કર્યા હતા કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોર્પોરેશન દરેક વિભાગ હાલ ભ્રષ્ટાચારમાં ડૂબાયેલું છે. હાટકેશ્વર બ્રિજની હાલત ગંભીર છે. અનેક રિપોર્ટ આવ્યા બાદ પણ જવાબદાર અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
વિરોધ છતાં પરિણામ નહીં :વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, છેલ્લા 17 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ અમદાવાદ શહેરની જનતાને ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ આપ્યું નથી. જેનો ઉત્તમ ઉદાહરણ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલો વિવાદ હાટકેશ્વર ખાતે છત્રપતિ શિવાજી મહારાજ ઓવરબ્રિજ જે જનતાના 40 કરોડથી બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાથી માત્ર ચાર જ વર્ષની અંદર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.
અધિકારને બચાવવાનો પ્રયત્ન :વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી કોંગ્રેસ દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટરનો અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આડકતરી રીતે તેમનો બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેને પગલે આજે કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવો કર્યો હતો. અને કમિશનરને આવેદન આપ્યું હતું કે જે જવાબદાર અધિકારીઓ છે. તેમની સામે તાત્કાલિક પણે પગલાં લેવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ તરફથી અમારી માંગ છે.