અમદાવાદ :શહેરનાનિકોલ વિસ્તારમાં એક 13 માસના બાળકના અપહરણની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમ સંબંધનો અંત લાવનાર પરિણીત પ્રેમિકાના 13 માસના દીકરાનું પ્રેમીએ અપહરણ કર્યું હતું. જોકે આ મામલે નિકોલ પોલીસે ગુનો નોંધાતા 32 કલાક સુધી સતત આરોપીની શોધખોળ હાથ ધરી આરોપીને પકડી પાડ્યો છે.
લોકેશન મુંબઈનું આવ્યું :શહેરમાં 13 માસના બાળકનું અપહરણ થતા નિકોલ, ઓઢવ સહિત ઝોન 5 LCBની ટિમ અને ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં લાગી હતી. આરોપીએ બાળકને લઈ ગયા બાદ પોતાનો ફોન બંધ કરી નાખતા પોલીસ માટે તેને શોધવો વિકટ બની ગયું હતું. આરોપીના જુના મોબાઈલ નંબરનું લોકેશન મુંબઈ આવતા પોલીસની એક ટિમ મુંબઈ પણ પહોંચી ગઈ હતી. તેમજ આરોપી ના પરિવારજનો અને સ્વજનો તમામમાં ઘરે અને બાવળામાં જ્યાં તેનું વતન હતું, ત્યાં પણ તે ન મળી આવ્યો હતો, જોકે પોલીસની મહેનત રંગ લાવી અને આરોપીને ઝડપી પાડ્યો છે.
શું હતો સમગ્ર મામલો : અમદાવાદના વસ્ત્રાલમાં રહેતી 23 વર્ષીય પરિણીતાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પરિણીતા વસ્ત્રાલમાં પતિ તેમજ એક 13 માસના દિકરા અને 4 વર્ષની દિકરી સાથે રહે છે. યુવતીના લગ્ન 5 વર્ષ પહેલા સમાજના રીતરિવાજ મુજબ એક યુવક સાથે થયા હતા. તેનો પતિ કઠવાડા GIDCમાં નોકરી કરે છે.
બહેનના ઘરે રોકાયા : યુવતી જે જગ્યાએ રહે છે ત્યાં પ્રકાશ દંતાણી નામનો યુવક રહેતો હોય છેલ્લાં 4 વર્ષથી પરિણીતા તેને ઓળખતી હતી. બન્ને વચ્ચે ફોન પર વાતચીત થતા મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બન્ને એકબીજાને અલગ અલગ હોટલમાં મળતા હતા. એક વાર પ્રકાશ દંતાણી પરિણીતાની દિકરી એક વર્ષની હતી, ત્યારે રામોલ ખાતે તેની બહેનના ઘરે લઈ ગયો હતો અને બે દિવસ ત્યાં સાથે રાખી હતી અને બાદમાં વસ્ત્રાલ રીંગ રોડ પર મુકીને જતો રહ્યો હતો.
પતિને સંબંધ વિશે જાણ થઈ : જે બાદ પ્રકાશ દંતાણીએ પરિણીતાને પતિથી છુટાછેડા લેવાની વાત કરી હતી. જેથી પરિણીતાએ તેને એક દિકરી હોવાથી છૂટાછેડા લેવાની ના પાડી હતી. જે બાદ પ્રકાશ દંતાણીએ પરિણીતા સાથે સંબંધો ચાલુ રાખ્યા હતા. જેની જાણ યુવતીના પતિને થઈ હતી. જેથી યુવતીને પતિએ પ્રકાશ સાથે સંબંધ ન રાખવાનું કહ્યું હતું. જેથી પરિણીતાએ પ્રેમી પ્રકાશને તેના સંબંધોની જાણ પતિને થઈ ગઈ હોવાથી હવે સંબંધ ન રાખવાનું કહ્યું હતું તેમ છતાં પણ પ્રકાશે સંબંધ રાખ્યા હતા.
આરોપી અચાનક પહોચ્યો : જે બાદ પ્રકાશ દંતાણી છેલ્લા 2 મહિનાથી પોતાના વતન બાવળા ખાતે જતો રહ્યો હતો. બાદમાં બે અઠવાડિયા પહેલાં પરત આવ્યો હતો. એક દિવસ યુવતી સાંજના સમયે દૂધ જેવા જઈ રહી હતી, ત્યારે પ્રકાશ દંતાણી અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો. મારી સાથે આવવા માટે શું ફેંસલો કર્યો છે તેવું પુછતા યુવતીએ હાલ સમય નથી, સમય મળશે ત્યારે વિચારીને વાત કરીશ તેમ જણાવ્યું હતું.
લગ્નમાં હાજરી : 12મી મેના રોજ યુવતીનો નાનો ભાઈ વસ્ત્રાલ ખાતે તેના ઘરે આવતા તે તેની સાથે માતાપિતાના ઘરે કઠવાડા ગઈ હતી. ત્યાં બે દિવસ રોકાઈ હતી. આ દરમિયાન 14મી મેના રોજ સિંગરવા ખાતે યુવતીના સસરાના ઓળખીતાના ઘરે લગ્ન હોવાથી યુવતીના પતિએ તેને તેની રીતે લગ્નમાં હાજરી આપવા જઈ આવવાનું કહ્યું હતું. જેથી યુવતીએ ભાઈને વાત કરતા તે યુવતીને લગ્નમાં સિંગરવા મૂકી ગયો હતો.
આરોપી યુવતી પાસે પહોંચ્યો : યુવતી લગ્નમાં હતી તે દરમિયાન તેણે મોડી રાત્રે પ્રકાશે દંતાણીને ફોન કરીને હવે પછી મને ફોન કરતો નહી. મારા પતિને આપણા સંબંધોની જાણ થઈ ગયેલી હોવાથી તે શક વહેમ કરે છે તેવુ જણાવ્યું હતું. જેથી પ્રકાશે યુવતી ક્યાં છે તેવુ પુછતા તેણે સિંગરવા લગ્નમાં હોવાનું જણાવતા પ્રકાશે પોતે ગામડે જવાનો હોવાથી બે મીનીટ માટે મળવાનું જણાવતા બીજા દિવસે લગ્ન પતાવીને સાંજના સમયે બાળકો સાથે બહાર નિકળીને પ્રકાશ દંતાણીને ફોન કર્યો હતો. જેથી પ્રકાશ દંતાણી મોટર સાયકલ લઈને ત્યાં આવ્યો હતો.